<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમમાં નથી થઈ કોઈ હેરાફેરી: સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેનો મોટો ખુલાસો!

શેરના બંધ ભાવ નક્કી કરવા માટે લાવવામાં આવેલી નવી પદ્ધતિનું સેબી સતત કરી રહ્યું છે મૂલ્યાંકન; વૈશ્વિક ધોરણોને અનુરૂપ બજાર માળખામાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ.

મુંબઈ: તા.12 સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ બુધવારે જણાવ્યું હતું કે શેરબજારમાં શેરના બંધ ભાવ નક્કી કરવા માટે તાજેતરમાં રજૂ કરાયેલી નવી ‘ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) સિસ્ટમમાં હેરાફેરી કે ગેરરીતિનો કોઈ પુરાવો મળ્યો નથી. પાંડેએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નિયમનકાર નવી પદ્ધતિના અમલીકરણ બાદ માર્કેટ ડેટાનું સતત વિશ્લેષણ કરી રહ્યું છે અને બજારના તમામ હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરી રહ્યું છે. જો ભવિષ્યમાં જરૂર જણાશે તો સેબી આ માળખામાં જરૂરી સુધારા-વધારા કરવા માટે પણ તૈયાર છે.

 

ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમને ભારતીય શેરબજારને વૈશ્વિક પ્રથાઓ સાથે જોડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પાંડેએ સ્પષ્ટ કર્યું હતું કે નવી સિસ્ટમ સામે સવાલો પારદર્શિતાને લઈને નહીં પરંતુ વેપારીઓ અને બ્રોકર્સની પરિચિતતા અને ભાગીદારીને લઈને ઊભા થયા છે. શરૂઆતના દિવસોમાં, ખાસ કરીને ૩ ઓગસ્ટના રોજ જે વિસંગતતાઓ જોવા મળી હતી, તે પછીના સત્રોમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને માટે નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.

 

ઉલ્લેખનીય છે કે, ક્લોઝિંગ ઓક્શન સેશન એ તાજેતરમાં શરૂ કરાયેલો ૨૦ મિનિટનો એક અલગ ટ્રેડિંગ સમયગાળો છે, જે દરમિયાન સ્ટોક એક્સચેન્જ ખરીદ-વેચાણના ઓર્ડર એકત્રિત કરે છે જેથી મહત્તમ ટ્રેડિંગ વોલ્યુમ એક સાથે એક્ઝિક્યુટ કરી શકાય. આ પદ્ધતિએ અગાઉની 'વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ' (VWAP) સિસ્ટમનું સ્થાન લીધું છે. અગાઉની સિસ્ટમમાં છેલ્લા ૩૦ મિનિટ દરમિયાન નાના વેપારો દ્વારા પણ બંધ ભાવને અપ્રમાણસર રીતે પ્રભાવિત કરવાની શક્યતા રહેતી હતી, જેને ‘ક્લોઝ માર્કિંગ’ કહેવામાં આવતું હતું.

 

સેબી ચેરમેનના જણાવ્યા અનુસાર, નવી પદ્ધતિ ખાસ કરીને ઇન્ડેક્સ-આધારિત, નિષ્ક્રિય રોકાણો અને મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) ની ચોક્કસ ગણતરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાપાન, હોંગકોંગ, યુએસ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા અગ્રણી દેશોમાં આ સિસ્ટમ પહેલેથી જ કાર્યરત છે. હાલમાં બ્રોકર્સ તેમના પ્લેટફોર્મ પર સૂચક ભાવ દર્શાવી રહ્યા છે, અને આગામી દિવસોમાં વધુ વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સેબી તમામ હિસ્સેદારો સાથે ચર્ચા ચાલુ રાખશે.

(4:53 PM IST)