<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ચીનની આર્થિક મહાસત્તાના મુખ્ય શિલ્પી અસ્ત: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઝુ રોંગજીનું ૯૮ વર્ષની વયે બેઇજિંગમાં નિધન!

૧૯૯૦ના દાયકામાં કઠોર નિર્ણયો લઈ ચીનને WTO માં પ્રવેશ અપાવનાર દિગ્ગજ નેતાએ લીધા અંતિમ શ્વાસ; નોકરીઓ ગુમાવવાના વિવાદો વચ્ચે પણ દેશને બનાવ્યો હતો વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર.

બેઇજિંગ: તા.12 ચીનને આધુનિક આર્થિક મહાસત્તા બનાવવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવનારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુ રોંગજીનું ૯૮ વર્ષની વયે અવસાન થયું છે. પોતાની તીક્ષ્ણ વાગ્છટા અને કડક આર્થિક નીતિઓ માટે જાણીતા આ દિગ્ગજ નેતાએ બુધવારે સવારે ૧૧ વાગ્યે બેઇજિંગ ખાતે બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૯૯૦ના દાયકામાં ચીનના સરકારી ઉદ્યોગોમાં મોટા પાયે માળખાકીય ફેરફારો કરીને અને વિશ્વ વેપાર સંગઠન (WTO) માં દેશનો પ્રવેશ સુનિશ્ચિત કરીને તેમણે ચીનના વિકાસને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યો હતો.

 

ઝુ રોંગજીએ વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૩ દરમિયાન ચીનના પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે રૂઢિચુસ્ત સામ્યવાદી નેતાઓ અને સરકારી કંપનીઓના વડાઓના ભારે વિરોધ વચ્ચે પણ આકરા સુધારા અમલમાં મૂક્યા હતા. રાજ્ય સંચાલિત કંપનીઓને નફાકારક અને કાર્યક્ષમ બનાવવાના તેમના નિર્ણયોને કારણે લાખો લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડી હતી, જેના લીધે તેમની ટીકા પણ થઈ હતી. પરંતુ, આ જ ક્રાંતિકારી નિર્ણયોના પરિણામે ચીન ૨૦૧૦ માં અમેરિકા પછી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનીને ઉભરી આવ્યું.

 

ભૂતપૂર્વ નેતા ડેંગ ઝિયાઓપિંગના ૧૯૭૯ ના આર્થિક સુધારાઓને આગળ ધપાવતાં ઝુ રોંગજીએ પોતાની મક્કમતા અને દૂરંદેશીથી ચીનને વિશ્વ વેપાર સંગઠનનું સભ્યપદ અપાવ્યું હતું. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિને કારણે જ ચીન વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ બની શક્યો. એક નિડર અને કડક પ્રશાસક તરીકે વિખ્યાત ઝુ રોંગજીના નિધન પર સમગ્ર ચીન સહિત વૈશ્વિક આર્થિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

(5:01 PM IST)