‘ફોર્ચ્યુન’ સૂર્યમુખી તેલ લેબ ટેસ્ટમાં નાપાસ: હલકી ગુણવત્તાવાળું તેલ વેચવા બદલ FSSAI એ AWL એગ્રી બિઝનેસ પર ફટકાર્યો દંડ!
ગોવાના રિસોર્ટમાંથી લેવાયેલા નમૂનામાં વિટામિન D નું પ્રમાણ નિયમ મુજબ ઓછું મળ્યું; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી બ્રાન્ડ સામે ખાદ્ય સુરક્ષા તંત્રે લીધા કડક પગલાં.

નવી દિલ્હી: તા.12 દેશની જાણીતી ખાદ્ય તેલ ઉત્પાદક કંપની ‘AWL એગ્રી બિઝનેસ લિમિટેડ’ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ મોટી કાર્યવાહી કરી છે. કંપની દ્વારા વેચવામાં આવતા "ફોર્ચ્યુન" બ્રાન્ડના ફોર્ટિફાઇડ સૂર્યમુખી તેલના નમૂના પ્રયોગશાળાના પરીક્ષણમાં નિષ્ફળ જતાં તંત્રે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય તેલનું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જોકે, FSSAI દ્વારા દંડની ચોક્કસ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે FSSAI ની ટીમે ગોવા સ્થિત ‘તાજ ફોર્ટ અગુઆડા રિસોર્ટ અને સ્પા’ માંથી ‘ફોર્ચ્યુન ફ્રાયઓલા રિફાઇન્ડ સૂર્યમુખી બીજ તેલ’ (૧ લિટર) નો નમૂનો એકત્રિત કર્યો હતો. આ નમૂનાને પ્રાથમિક ખાદ્ય પ્રયોગશાળામાં ચેકિંગ માટે મોકલવામાં આવતા માલૂમ પડ્યું હતું કે આ ફોર્ટિફાઇડ ઓઇલ 'FSS (ફોર્ટિફિકેશન ઓફ ફૂડ્સ) નિયમો, ૨૦૧૮' હેઠળ નિર્ધારિત ધોરણો પર ખરું ઊતરતું નથી. તેલમાં ઉમેરવામાં આવતા આવશ્યક પોષક તત્વો જેવા કે વિટામિન A અને વિટામિન D નું સ્તર નક્કી કરાયેલી સરકારી મર્યાદા કરતાં ઘણું ઓછું મળી આવ્યું હતું.
લેબ રિપોર્ટ સામે આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, જેના પગલે રેફરલ લેબોરેટરીમાં અન્ય એક નમૂનાનું પુનઃ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ, રેફરલ લેબના રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ હતી કે તેલમાં વિટામિન D નું પ્રમાણ નિયમ મુજબ હોવું જોઈએ તેના કરતાં નોંધપાત્ર રીતે નીચું હતું, જેના આધારે પ્રોડક્ટને સત્તાવાર રીતે ‘હલકી ગુણવત્તાવાળી’ (Substandard) જાહેર કરવામાં આવી છે.
આ સિવાય, ગુણવત્તા અને લેબલિંગના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ FSSAI એ 'પાઈ ફૂડ્સ' નામની અન્ય કંપનીને પણ તેના બે ઉત્પાદનો—'મોન્ક ફ્રૂટ એક્સટ્રેક્ટ સ્વીટનર' અને 'મોન્ક ફ્રૂટ સ્વીટનર ડ્રોપ્સ'નું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આકરો આદેશ આપ્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાદ્ય પ્રશાસન દ્વારા દેશભરમાં આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
