News of Wednesday, 12th August 2026
ઉત્તર પ્રદેશ : દીકરીના લગ્ન માટે હવે લોન લેવાની જરૂર નથી: સરકાર આપશે ₹૧ લાખ સુધીની આર્થિક સહાય!
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ કન્યાના ખાતામાં રોકડા ₹૬૦,૦૦૦ સહિત કરિયાવાર અને લગ્ન વ્યવસ્થા માટે મળશે મદદ; વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓ પણ લઈ શકશે લાભ.

નવી દિલ્હી: તા.12 મોંઘવારીના આ યુગમાં દીકરીના લગ્ન ધામધૂમથી કરાવવા એ અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્થિક બોજ બની જતું હોય છે. ઘણીવાર પરિવારોએ વ્યાજે પૈસા લેવા પડે છે કે લોન લેવાની ફરજ પડે છે. પરંતુ હવે આવા પરિવારોની મદદ માટે સરકાર આગળ આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની 'મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના' હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને તેમની દીકરીઓના લગ્ન માટે કુલ ₹૧ લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નના ખર્ચનો બોજ ઘટાડીને પરિવારોને દેવાના ડુંગર નીચે દબાતા બચાવવાનો છે.
આ કલ્યાણકારી યોજના હેઠળ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ₹૧ લાખની રકમ વિવિધ તબક્કામાં વહેંચવામાં આવી છે. જેમાં ₹૬૦,૦૦૦ ની રકમ સીધી કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પરિવાર પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકે. આ સિવાય ₹૨૫,૦૦૦ ની રકમ કન્યાને કપડાં, વાસણો અને અન્ય જરૂરી ઘરવખરીની વસ્તુઓ આપવા માટે ફાળવવામાં આવે છે. જ્યારે બાકીના ₹૧૫,૦૦૦ નો ઉપયોગ લગ્ન મંડપ, કેટરિંગ, વીજળી અને પાણી જેવી મંડપ વ્યવસ્થા પાછળ કરવામાં આવે છે. આ યોજનામાં સામાન્ય, ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમુદાયના લાયક પરિવારો ઉપરાંત વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પણ પુનર્લગ્ન માટે લાભ આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અરજી કરનાર યુવતીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી ફરજિયાત છે. સાથે જ પરિવારની વાર્ષિક આવક ₹૩ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. યોજના માટે અરજી કરતી વખતે વર-કન્યાના ઓળખ પુરાવા, આવક પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. પાત્ર ઉમેદવારો સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, જ્યાં દસ્તાવેજોની ચકાસણી થયા બાદ નાણાકીય સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
