તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
હોસ્પિટલમાં મનસ્વી બિલિંગ અને વીમા ક્લેમની ઝંઝટમાંથી મળશે મુક્તિ: સરકાર લાવશે ક્રાંતિકારી હેલ્થ ઇન્સ્યોરન્સ સુધારા!
સારવારના દરો અગાઉથી નક્કી થશે અને તમામ કંપનીઓ માટે 'કોમન હેલ્થ પ્રોડક્ટ' ફરજિયાત બનશે; ડિસ્ચાર્જ વખતે ક્લેમ સેટલમેન્ટ માટે કલાકો સુધી રાહ જોવી નહીં પડે.

નવી દિલ્હી: તા.12 હોસ્પિટલમાં દાખલ થતાં જ દર્દી અને તેમના પરિવારજનો માટે સારવારની સાથે વીમા ક્લેમ પાસ કરાવવાની મોટી ચિંતા ઊભી થતી હોય છે. "આ બીમારી કવર નથી થતી" કે "રૂમ ભાડા પેટે આટલા જ પૈસા મળશે" જેવા વીમા કંપનીઓ અને હોસ્પિટલોના બહાનાઓથી હવે દેશવાસીઓને મુક્તિ મળવા જઈ રહી છે. દર વર્ષે ૧૨% થી ૧૪% ના દરે વધી રહેલા મેડિકલ ફુગાવા અને ખાનગી હોસ્પિટલોના મનસ્વી ચાર્જીસ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર અને હેલ્થ રેગ્યુલેટર (IRDAI) દ્વારા આરોગ્ય વીમા ક્ષેત્રે મોટા સુધારા કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
નવા સુધારા હેઠળ IRDAI ના વડાની અધ્યક્ષતામાં બનેલી સમિતિની ભલામણો આધારે હોસ્પિટલોમાં વિવિધ રોગોની સારવાર માટેના દરો (Standard Package Rates) અગાઉથી નક્કી કરવામાં આવશે. આનાથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનસ્વી બિલ વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, સરકાર દેશની તમામ ૪૦ થી વધુ વીમા કંપનીઓ માટે એક 'કોમન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ' લાવવાનું આયોજન કરી રહી છે. આ સામાન્ય પોલિસીમાં કવરેજ અને શરતો સ્પષ્ટ હશે, જેથી ગ્રાહકોને કોઈ છુપી શરતો કે ગૂંચવણભરેલા નિયમોનો સામનો કરવો ન પડે.
આ યોજના અમલી બનવાથી વીમા ક્ષેત્રે થતા ૧૦% થી ૧૫% જેટલા નકલી અને અતિશયોક્તિભર્યા ક્લેમ પર પણ રોક લાગશે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે ક્લેમ મંજૂરી માટે દર્દીઓએ કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવું પડે છે, તે સમસ્યાના ઉકેલ માટે 'નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ' (NHCX) પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે ત્વરિત ડેટા શેરિંગ થશે, જેનાથી ડિસ્ચાર્જ સમયે મિનિટોમાં જ દાવાની પતાવટ થઈ શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
