<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મોંઘવારીનો રાક્ષસ ધૂણ્યો : ડુંગળી, લસણ અને આદુના ભાવ ભડકે બળતા જુલાઈમાં છૂટક ફુગાવો 4.45% એ પહોંચ્યો

ખાદ્ય ચીજોના સતત વધતા ભાવને કારણે દેશમાં છૂટક ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4% ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને વટાવી ગયો : જેમાં ગ્રામીણ વિસ્તારો અને રસોડાના આવશ્યક મસાલાઓએ સામાન્ય નાગરિકોના બજેટને ભારે અસર કરી છે.

નવી દિલ્હી:  દેશમાં મોંઘવારીનો પારો ફરી એકવાર ઊંચે ચડ્યો છે. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, જુલાઈ 2026 માં ભારતનો છૂટક ફુગાવાનો દર જૂનના 4.38% થી વધીને 4.45% નોંધાયો છે. આ વધારા સાથે ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4% ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી ઉપર નીકળી ગયો છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા તીવ્ર ઉછાળાને કારણે ફુગાવામાં આ ઝડપી વધારો જોવા મળ્યો છે.

રસોડામાં રોજબરોજ વપરાતી વસ્તુઓના ભાવમાં થયેલા વિસ્ફોટક વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. જુલાઈ મહિનામાં ડુંગળીનો ફુગાવો 4.73% થી સીધો વધીને 22.54% અને લસણનો ફુગાવો 17.93% થી વધીને 35.36% પર પહોંચી ગયો છે. આદુના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનો ફુગાવો 50.41% થી વધીને 83.62% થઈ ગયો છે. જોકે, બટાકા, ભીંડા, વટાણા અને ટામેટાં જેવા શાકભાજીના ભાવમાં રાહત મળતાં ફુગાવાની એકંદર અસર થોડી નિયંત્રણમાં રહી છે.

શહેરોની સરખામણીએ ગ્રામીણ ભારતમાં મોંઘવારીની અસર વધુ તીવ્ર રહી છે, જ્યાં ગ્રામીણ ફુગાવો જૂનના 4.74% થી વધીને 4.84% થયો છે, જ્યારે શહેરી ફુગાવો 3.96% રહ્યો છે. આ સિવાય પરિવહન, રેસ્ટોરન્ટ સેવાઓ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. RBI ના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવો 5.9% ની ટોચે પહોંચી શકે છે, ત્યારબાદ જ તેમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.

(6:09 PM IST)