News of Wednesday, 12th August 2026
બાંગ્લાદેશ સરકારની મોટો દાવો: શેખ હસીના સ્વદેશ પરત ફરશે તો અપાશે સંપૂર્ણ સુરક્ષા, પરંતુ કાયદાકીય પ્રક્રિયાનો કરવો પડશે સામનો!
ડિસેમ્બરમાં દેશ વાપસીની ઈચ્છા વચ્ચે વચગાળાની સરકારે કરી સ્પષ્ટતા; 'રો' (RAW) પ્રમુખની ઢાકા મુલાકાત બાદ ભારતીય એજન્સીઓને મુક્ત છૂટ નહીં આપવાની પણ આપી ચેતવણી.

ઢાકા: ભારતમાં લાંબા સમયથી આશ્રય લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સ્વદેશ વાપસીને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે જાહેરાત કરી છે કે જો શેખ હસીના પોતાના દેશમાં પરત ફરશે, તો તેમને તમામ પ્રકારની કાયદાકીય અને બંધારણીય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે અદાલતમાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવો પડશે અને તેમના ભવિષ્ય અંગેનો આખરી નિર્ણય દેશની અદાલતો દ્વારા જ લેવામાં આવશે.
બાંગ્લાદેશ સરકારના માહિતી અને પ્રસારણ સલાહકાર જાહિદ ઉર રહમાનના જણાવ્યા અનુસાર, શેખ હસીનાએ આગામી ડિસેમ્બર મહિનામાં માતૃભૂમિ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સરકારી પ્રવક્તાએ ઉમેર્યું કે ૨૦૨૪ ના હિંસક બળવા દરમિયાન આરોપી બનેલા અવામી લીગના પૂર્વ સાંસદ અને ક્રિકેટર શાકિબ અલ હસનથી લઈને શેખ હસીના સુધીના તમામ નાગરિકોના બંધારણીય અધિકારો સુરક્ષિત રહેશે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે દેશમાં હવે ફરી ક્યારેય શેખ હસીના જેવું ફાસીવાદી કે 'માફિયા શાસન' ચલાવવા દેવામાં આવશે નહીં.
બીજી તરફ, ભારતીય ગુપ્તચર એજન્સી 'રો' (RAW) ના પ્રમુખ પરાગ જૈનની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળની તાજેતરની ઢાકા મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં જાહિદ રહમાને જણાવ્યું હતું કે આ એક નિયમિત સુરક્ષા વાટાઘાટનો ભાગ હતો. જોકે, તેમણે આકરા અવાજે સ્પષ્ટ કર્યું કે ભૂતકાળમાં શેખ હસીનાના શાસનકાળ દરમિયાન ભારતીય એજન્સીઓને બાંગ્લાદેશમાં જે રીતે કામ કરવાની મુક્ત છૂટ મળતી હતી, તેવી કોઈ મંજૂરી હવે આપવામાં આવશે નહીં.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
