સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ મામલે મહારાષ્ટ્ર ATS ની મોટી કાર્યવાહી: પાંચ યુવાનોની અટકાયત કરી કડક પૂછપરછ!
મુંબઈ, થાણે અને પાલઘરના અલગ-અલગ વિસ્તારોમાંથી કરાઈ ધરપકડ; ફોરેન્સિક તપાસ માટે મોબાઈલ સહિતના ડિજિટલ ઉપકરણો જપ્ત કરી NIA એ પણ કરી પૂછપરછ.

મુંબઈ : મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સોશિયલ મીડિયા પર કથિત રીતે ભારત વિરોધી અને ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવાના ગંભીર આરોપસર પાંચ યુવાનોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના મલાડ અને પરેલ તેમજ થાણે અને પાલઘર જિલ્લાના મુમ્બ્રા અને પડઘા વિસ્તારોમાંથી આ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય યુવાનો સોશિયલ મીડિયાના ખાનગી ચેટ ગ્રૂપ, ટેલિગ્રામ અને એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પર દેશવિરોધી ચર્ચાઓમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ યુવાનો વર્ષ ૨૦૨૨ થી ઓનલાઈન એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડાયેલા હતા, જેમાંથી કેટલાંક પ્લેટફોર્મ વિદેશી હેન્ડલર્સ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જપ્ત કરાયેલા ઉપકરણોમાંથી એટીએસને કેટલીક અત્યંત વાંધાજનક પોસ્ટ મળી આવી છે, જેમાં એક યુવકે "ભારતમાં રહેવા કરતાં પાકિસ્તાન સારું છે" જેવી અસંવેદનશીલ વાતો શેર કરી હતી. આ ઉપરાંત, આમાંથી એક યુવકની આંધ્રપ્રદેશના કટ્ટરપંથી નેટવર્ક સાથેની સંભવિત કડીઓને પગલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પણ ઊંડી પૂછપરછ કરવામાં આવી છે.
એટીએસ દ્વારા તમામ યુવાનોના મોબાઈલ ફોન અને ડિજિટલ સાધનો કબજે કરીને ફોરેન્સિક લેબમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ બાદ યુવાનોને બોન્ડ પર મુક્ત કરી ફરી હાજર થવા આદેશ અપાયો છે. એજન્સી હાલ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ પોસ્ટ્સ માત્ર વ્યક્તિગત વિચારો હતા કે પછી કોઈ મોટું સંગઠિત નેટવર્ક ભારતના યુવાનોને ભટકાવવા અને દેશમાં અશાંતિ ફેલાવવા માટે આ ઓનલાઈન પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
