<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

'જંતર મંતર સીઝન 2 ટૂંક સમયમાં આવશે': બેઠક માટે હોલ ન મળતાં ભાજપ પર ભડક્યા અભિજીત દીપક

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની સ્વયંસેવક બેઠક માટે ભાજપના દબાણ હેઠળ છેલ્લી ઘડીએ હોલ બુકિંગ રદ કરાયાનો આરોપ : દીપકે સ્પષ્ટ કર્યું કે આવી ધમકીઓથી અમે ડરવાના નથી

નવી દિલ્હી: : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે બુધવારે એક મોટી જાહેરાત કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાહકો અને સમર્થકો સતત તેમને પૂછી રહ્યા હતા કે 'જંતર મંતર ભાગ 2' ક્યારે આવશે, તેથી તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરે છે કે 'જંતર મંતર સીઝન 2' ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

જોકે, આ જાહેરાત સાથે જ દિલ્હીમાં રાજકીય ડ્રામા પણ જોવા મળ્યો હતો. દીપક બુધવારે દિલ્હીમાં પોતાની પાર્ટીના સ્વયંસેવકોની એક ઇન્ડોર બેઠક યોજવા માગતા હતા, પરંતુ તેમને કોઈ જગ્યા મળવા દીધી નહોતી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓ લગભગ 10 જગ્યાએ ગયા હતા, પરંતુ તમામ હોલ માલિકોએ 'ઉપરથી ભારે દબાણ' અને ધમકીઓ હોવાનું કહીને હોલ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જે એક હોલ માંડ મળ્યો હતો, તેને પણ છેલ્લી ઘડીએ ધમકાવીને રદ કરાવી દેવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા અભિજીત દીપકે કહ્યું કે, "આ બધું ભાજપના ડરનું પરિણામ છે. તેઓ દેશના યુવાનો અને સીજેપીથી ડરી ગયા છે." તેમણે ચીમકી આપતાં ઉમેર્યું કે આવી ધમકીઓથી તેમની પાર્ટી પાછળ હટવાની નથી. પાર્ટીના પ્રવક્તા આશુતોષ રંકાએ પણ દિલ્હી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે શું કાયદો અને વ્યવસ્થા ફક્ત ભાજપ માટે કામ કરી રહી છે કે સામાન્ય જનતા માટે?

(7:52 PM IST)