<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સંગમ વિહારની મંજુની ખોફનાક કરતૂત: પતિને ઊંઘની ગોળીઓ આપી : વીજ કરંટ આપ્યો અને રૂ. 5 લાખની સોપારી આપી પતાવી દીધો

ઘરેલુ હિંસા અને આર્થિક તંગીથી કંટાળી પત્નીએ જ ઘડી હત્યાની ભયાનક યોજના : લૂંટનો ડ્રામા ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી પ્રેમી અને મદદગાર સાથે પહોંચી જેલના સળિયા પાછળ

નવી દિલ્હી:  દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઇન્દોરની સોનમ રઘુવંશી કે પુણેની સિયા ગોયલના કિસ્સાઓને પણ પાછળ છોડી દે તેવી ક્રૂરતા આચરતાં મંજુ ઉર્ફે નાઝિયા નામની મહિલાએ પોતાના 55 વર્ષીય પતિ મુન્ના લાલની નૃશંસ હત્યા કરાવી દીધી છે. દિલ્હી પોલીસે આ હૃદયકંપાવનારા હત્યાકાંડનો પર્દાફાશ કરીને પત્ની મંજુ, તેના સાથી ચમન અને તેને આશ્રય આપનાર કિશન નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગત મુજબ, 10 ઓગસ્ટની વહેલી સવારે રાતિયા રોડ પરથી મુન્ના લાલ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા, જેમને AIIMS ટ્રોમા સેન્ટર ખસેડાતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં આ મામલો લૂંટ દરમિયાન થયેલી હત્યા જેવો લાગતો હતો, પરંતુ ઘટનાસ્થળેથી લોહીના ડાઘ ભૂંસવાના થયેલા પ્રયાસોથી પોલીસને શંકા ગઈ હતી. નજીકના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતાં રાત્રે 1:45 વાગ્યે માસ્ક પહેરેલો એક શંકાસ્પદ પુરુષ ઘરમાં પ્રવેશતો અને સવારે 3:15 વાગ્યે બહાર નીકળતો કેમેરામાં કેદ થયો હતો. ટેકનિકલ તપાસ બાદ સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં વિગત ખુલી કે પતિના વારંવારના શારીરિક ત્રાસ અને આર્થિક તંગીથી કંટાળીને મંજુએ ચમન નામના શખ્સને ₹5 લાખની સોપારી આપી હતી. કાવતરા મુજબ, મંજુએ પહેલા પતિ મુન્ના લાલને ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી જેથી તે પ્રતિકાર ન કરી શકે. ત્યારબાદ તેને વીજળીનો આંચકો (ઇલેક્ટ્રિક શોક) આપવામાં આવ્યો, લાકડાના ફટકા મારવામાં આવ્યા અને ગળું દબાવીને કરપીણ હત્યા કરી દેવાઈ હતી. હત્યાને લૂંટનો આકાર આપવા માટે મૃતદેહને રસ્તા પર ફેંકી દેવાયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી વસ્તુઓ અને જપ્ત કરેલી રોકડ રકમ સાથે આગળની તપાસ હાથ ધરી છે.

(7:53 PM IST)