<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

નીટ પેપર લીક કેસમાં નવો વળાંક: CBI ની ૨,૦૦૦ પાનાની ચાર્જશીટ પણ મીડિયામાં લીક : કોર્ટે કહ્યું- 'આ એક મોટો આંચકો છે'

રાઉસ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશે સગીર સાક્ષીઓ અને ગોપનીય વિગતો સાર્વજનિક થવા પર ગંભીર આશ્ચર્ય વ્યક્ત કર્યું : નિષ્પક્ષ ટ્રાયલ સુનિશ્ચિત કરવા મીડિયા અને તંત્રને તાકીદ કરી

નવી દિલ્હી:  દેશવ્યાપી વિવાદ સર્જનારા નીટ (NEET) પેપર લીક કેસની સુનાવણી દરમિયાન એક નવો મોટો ધડાકો થયો છે. સીબીઆઈ (CBI) દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવેલી આશરે ૨,૦૦૦ પાનાની અત્યંત ગોપનીય ચાર્જશીટ જ સાર્વજનિક રીતે મીડિયામાં લીક થઈ જતાં ન્યાયિક વર્તુળોમાં સનાટો વ્યાપી ગયો છે. રાઉસ એવન્યુ સ્થિત વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટના જજ અજય ગુપ્તાએ આ ગંભીર બેદરકારી બદલ ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરતાં આ ઘટનાને કેસની ન્યાયી પ્રક્રિયા માટે "મોટો આંચકો" ગણાવ્યો છે અને આ મામલે તાત્કાલિક કડક પગલાં ભરવાના સંકેત આપ્યા છે.

સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ચાર્જશીટ લીક થવાને કારણે કેટલાક સગીર સાક્ષીઓના નામો પણ મીડિયામાં જાહેર થઈ ગયા છે, જે કાયદાકીય રીતે અત્યંત જોખમી અને ગેરકાયદેસર છે. આરોપી પક્ષના વકીલે પણ દલીલ કરી હતી કે ચાર્જશીટ સત્તાવાર રીતે દાખલ થાય તે પહેલાં જ મીડિયા પાસે તેની નકલ પહોંચી જવાથી ટ્રાયલ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ અંગે ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફોજદારી કાયદાના દાયરામાં જ રહીને ટ્રાયલ થવી જોઈએ અને કોઈપણ પક્ષ પ્રત્યે ભેદભાવ ન થાય તે માટે મીડિયા સહિત તમામ સંબંધિત ઘટકોએ પોતાની જવાબદારી સમજીને આવા સંવેદનશીલ અહેવાલો પ્રસિદ્ધ કરવાથી દૂર રહેવું જોઈએ.

સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે દિલ્હી સ્થિત નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિસમાંથી ત્રણ વિષય નિષ્ણાતોએ વિવિધ યુક્તિઓ અજમાવીને નીટ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કર્યા હતા. ગુપ્ત વિભાગમાંથી બહાર નીકળતી વખતે આ નિષ્ણાતોનું યોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું ન હોવાથી તેઓ પેપર બહાર લાવવામાં સફળ રહ્યા હતા. વિશેષ અદાલતે સમગ્ર અહેવાલની ગંભીર તપાસ કરવાનો નિર્ણય લીધો છે અને ૧૩ ઓગસ્ટથી આરોપીઓ સામે સત્તાવાર રીતે આરોપો ઘડવા  અંગેની દલીલો સાંભળવાનું શરૂ કરવામાં આવશે.

(7:55 PM IST)