<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કર્ણાટકમાં ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણ બેન: સરકારે એક વર્ષ માટે તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર મૂક્યો કડક પ્રતિબંધ

રાજ્ય સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ વેચાણ અને પરિવહન પર એક વર્ષ માટે કડક પ્રતિબંધ લાદતું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું

બેંગલુરુ:  જાહેર આરોગ્યની સુરક્ષા અને યુવા પેઢીને વ્યસનની ગર્તામાંથી બચાવવા માટે કર્ણાટક સરકારે એક અત્યંત મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્યના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે સમગ્ર કર્ણાટકમાં ગુટખા, પાન મસાલા સહિત તમામ તમાકુ અને નિકોટિનયુક્ત ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. 10 ઓગસ્ટ, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલું આ સત્તાવાર જાહેરનામું જારી થયાની તારીખથી જ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલી બની ગયું છે.

સરકારના આ નિર્ણયને જમીની સ્તર પર કડક રીતે લાગુ કરવા માટે ખાદ્ય સુરક્ષા અધિકારીઓની આગેવાની હેઠળ રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર શ્રીનિવાસ કે. ના જણાવ્યા અનુસાર, 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' ની કલમ 30(2)(a) અને 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (સેલ એન્ડ પ્રોહિબિશન) રેગ્યુલેશન્સ, 2011' હેઠળ મળેલી વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ કડક આદેશ જારી કરાયો છે. આ ઝુંબેશ હેઠળ ગેરકાયદે ઉત્પાદન એકમો, ગોડાઉનો અને વેચાણ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ પ્રતિબંધનો ભંગ કરનાર વેપારીઓ, ઉત્પાદકો અને પરિવહનકર્તાઓ સામે કાનૂની કાર્યવાહી કરીને ભારે દંડ અને જેલની સજા ફટકારવામાં આવશે. આ સાથે જ સરકારે રાજ્યની તમામ જનતા અને નાગરિક સમાજને આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અને બેન કરાયેલા ઉત્પાદનોનું ક્યાંય પણ ગેરકાયદે વેચાણ થતું જણાય તો તુરંત જ તંત્રને જાણ કરવા અપીલ કરી છે, જેથી રાજ્યને નશા મુક્ત અને સ્વસ્થ બનાવી શકાય.

(7:55 PM IST)