News of Wednesday, 12th August 2026
ભારતીય ટેબલ ટેનિસમાં મોટો ધડાકો: રમતગમત મંત્રાલયે TTFI ની માન્યતા રદ કરી : IOA ને સમિતિ રચવા આદેશ
વહીવટી ખામીઓ, સમયસર ચૂંટણી યોજવામાં નિષ્ફળતા અને મનિકા બત્રા વિવાદ બાદ રમતગમત મંત્રાલયની સખત કાર્યવાહી : રમતનું સંચાલન કરવા માટે એડહોક સમિતિ બનાવવામાં આવશે

નવી દિલ્હી: ભારતીય ટેબલ ટેનિસ ક્ષેત્રે એક મોટો રાજકીય અને પ્રશાસનિક ધડાકો થયો છે. દેશમાં ટેબલ ટેનિસ રમતનું સંચાલન કરતી મુખ્ય સંસ્થા 'ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા' (TTFI) ની માન્યતાને રમતગમત મંત્રાલયે બુધવારે તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. સંસ્થામાં ચાલતી ગંભીર વહીવટી ખામીઓ અને નિયમ મુજબ સમયસર ચૂંટણીઓ યોજવામાં નિષ્ફળ રહેવા બદલ મંત્રાલય દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને આ રમતનું સંચાલન સંભાળવા અને વહીવટી ખામીઓની તપાસ માટે એક વિશેષ એડહોક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, TTFI નું સંચાલન ડિસેમ્બર 2022 થી તેની પ્રથમ મહિલા પ્રમુખ મેઘના અહલાવત દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જેઓ હરિયાણાના પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના પત્ની છે. સંસ્થા છેલ્લા ઘણા મહિનાઓથી આંતરિક વિવાદો અને ઉથલપાથલનો સામનો કરી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં મહાસચિવ અને ભૂતપૂર્વ ખેલાડી કમલેશ મહેતાને નાણાકીય અનિયમિતતાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમણે બાદમાં દિલ્હી હાઈકોર્ટમાંથી પોતાના સ્ટેન્ડ પર રાહત મેળવી હતી. મંત્રાલયે TTFI ને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી, પરંતુ તેનો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
આ સિવાય, દેશની સ્ટાર પેડલર મનિકા બત્રાને એશિયન ગેમ્સ ટીમમાંથી મનસ્વી રીતે બાકાત રાખવાના નિર્ણય બાદ આ ફેડરેશન ભારે વિવાદમાં ફસાયું હતું. મનિકા બત્રાએ આ અન્યાય સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવીને રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપની માંગ કરી હતી. રમતગમત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે IOA હવે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) સાથે પરામર્શ કરીને તમામ ખામીઓ દૂર કરશે, જેથી ખેલાડીઓનું ભવિષ્ય જોખમાય નહીં અને રમતનું સંચાલન પારદર્શક રીતે થઈ શકે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
