News of Wednesday, 12th August 2026
Gen-Z પછી Gen-Alpha ની તાકાત: જર્જરિત રસ્તા માટે બાળકો હાથમાં ત્રિરંગો લઈ 5 કિમી ચાલ્યા : તંત્ર નમ્યું!
હમીરપુરના ચંદુપુર ગામમાં આઝાદી પછી પણ પાકો રસ્તો ન બનતા ભૂલકાંઓએ વાલીઓ સાથે કલેક્ટર કચેરી સુધી માર્ચ કરી : એડીએમ અને એસડીએમ દોડતા સ્થળ પર પહોંચ્યા

હમીરપુર: સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનોમાં યુવાનો કે રાજકીય નેતાઓ આગળ રહેતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં કઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. હમીરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા ચંદુપુર ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ પાકો રસ્તો ન બનતાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. રસ્તાની બિરમય હાલતથી કંટાળીને નાના-નાના 'Gen-Alpha' બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો પકડીને વાલીઓ સાથે કલેક્ટર કચેરી સુધી લગભગ પાંચ કિલોમીટરની પગપાળા કૂચ કરી હતી.
બાળકોની આ અનોખી અને ભાવુક વિરોધ કૂચના સમાચાર મિડિયામાં મુખ્યતાથી પ્રસારિત થતાં જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું. બુધવારે ઘટનાની ગંભીરતા જોઈને એડીએમ (ADM) રાકેશ કુમાર, એસડીએમ (SDM) અભિષેક કુમાર, ખનિજ અધિકારી અને પીડબલ્યુડી (PWD) વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સીધો ચંદુપુર ગામ ખાતે નિરીક્ષણ કરવા પહોંચી ગયો હતો. અધિકારીઓએ સ્થળ પર જઈને જર્જરિત રસ્તાની ભૌગોલિક સ્થિતિ તપાસી હતી અને ગ્રામજનોની વર્ષો જૂની પીડા સાંભળી હતી.
ગામલોકો અને શાળાએ જતા બાળકોએ અધિકારીઓને આપવિતી જણાવતા કહ્યું કે, ચોમાસામાં રસ્તો કાદવ-કીચડ અને પાણીથી ભરાઈ જતાં બાળકો દિવસો સુધી શાળાએ જઈ શકતા નથી અને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. આ રસ્તો એક ડઝનથી વધુ ગામડાઓને જોડે છે. સ્થાનિકોની સમસ્યા સાંભળ્યા બાદ એડીએમ રાકેશ કુમારે ખાતરી આપી હતી કે હાલ તુરંત રસ્તા પરના ખાડા પૂરવાનું કામ શરૂ કરી દેવાયું છે અને પીડબલ્યુડી વિભાગનું બજેટ મંજૂર થતાં જ કાયમી પાકો રસ્તો બનાવી દેવામાં આવશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
