News of Wednesday, 12th August 2026
અનિશ્ચિત વરસાદને કારણે દેશમાં ખરીફ પાકોના વાવેતરમાં ઘટાડો: વાવેતર વિસ્તાર ૧.૮૨ ટકા ઘટીને ૯૬૭.૯૨ લાખ હેક્ટરે પહોંચ્યો!
કૃષિ મંત્રાલય દ્વારા તાજેતરના આંકડા જાહેર; ડાંગર, કઠોળ અને કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો, જ્યારે તેલીબિયાંના વાવેતરમાં થયો નોંધપાત્ર વધારો.

નવી દિલ્હી: ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની અસમાન અને અનિશ્ચિત પેટર્નના કારણે દેશભરમાં ખરીફ પાકોના વાવેતર પર વિપરીત અસર જોવા મળી છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આંકડાકીય માહિતી અનુસાર, ૭મી ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત વર્ષના સમાન ગાળાના ૯૮૫.૮૯ લાખ હેક્ટરની સરખામણીએ ૧.૮૨ ટકા (અથવા ૧૭.૯૬ લાખ હેક્ટર) ઘટીને ૯૬૭.૯૨ લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે.
મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જે ગત વર્ષના ૩૬૦.૬૭ લાખ હેક્ટર સામે ૧૫.૯૦ લાખ હેક્ટર ઘટીને ૩૪૪.૭૮ લાખ હેક્ટરે પહોંચ્યો છે. આ ઉપરાંત, કઠોળનો વાવેતર વિસ્તાર પણ ૧.૯૫ લાખ હેક્ટર ઘટીને ૧૦૩.૭૮ લાખ હેક્ટર રહ્યો છે, જેમાં તુવેર અને મગના વાવેતરમાં ઘટાડો થયો છે, જ્યારે અડદ અને મઠના વાવેતરમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. શ્રી અન્ન (જાડા ધાન્ય) ના વાવેતરમાં પણ ૪.૭૧ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ખેડૂતોએ તેલીબિયાં પાકો પર વધુ પસંદગી ઉતારી હોય તેમ જણાય છે. તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ૫.૧૯ લાખ હેક્ટર વધીને ૧૮૦.૨૦ લાખ હેક્ટરે પહોંચ્યો છે, જેમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર ૩.૭૧ લાખ હેક્ટર વધીને ૪૩.૧૧ લાખ હેક્ટર અને સોયાબીનનું વાવેતર ૧૧૯.૯૨ લાખ હેક્ટર નોંધાયું છે. રોકડિયા પાકોની વાત કરીએ તો, કપાસનું વાવેતર ૪૧,૦૦૦ હેક્ટર ઘટીને ૧૦૬.૦૧ લાખ હેક્ટર અને શેરડીનું વાવેતર ૫૮.૩૧ લાખ હેક્ટરની સપાટીએ રહ્યું છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
