તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
ચીન-પાકિસ્તાનમાં ખળભળાટ: ભારત વાયુસેના માટે ખરીદશે વધુ ૧૧૪ રાફેલ ફાઇટર જેટ, ફ્રાન્સ સાથે ₹૩.૨૫ લાખ કરોડના મેગા ડીલની તૈયારી!
દસોલ્ટ એવિએશને રજૂ કર્યો ટેકનિકલ અને વાણિજ્યિક પ્રસ્તાવ; 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ થશે મોટા ભાગના ફાઇટર જેટનું ઉત્પાદન.

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવાના હેતુથી સરકારે ૧૧૪ વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે. આ મેગા ડિફેન્સ ડીલ માટે ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશને ભારતને ₹૩.૨૫ લાખ કરોડનો ટેકનિકલ અને વાણિજ્યિક પ્રસ્તાવ સુપ્રત કર્યો છે. ભારત દ્વારા મે મહિનામાં મોકલવામાં આવેલા 'લેટર ઓફ રિક્વેસ્ટ'ના જવાબમાં ફ્રાન્સે આ ઓફર રજૂ કરી છે, જેના પર ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની કડી નજર ટકેલી છે.
આ પ્રસ્તાવિત સોદો સરકાર-થી-સરકાર (G2G) કરાર હેઠળ હાથ ધરવામાં આવશે, જેમાં મોટા પાયે ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ ડીલ અંતર્ગત દેશમાં જ ફાઇટર જેટના નિર્માણથી સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને મોટો વેગ મળશે અને વાયુસેનાના ઘટી રહેલા સ્ક્વોડ્રનની સંખ્યાને ઝડપથી મજબૂત કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ફેબ્રુઆરીમાં આ ખરીદી માટે 'એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી' (AoN) ની મંજૂરી આપી દીધી હતી. આગામી સમયમાં તમામ ટેકનિકલ મૂલ્યાંકન અને વાટાઘાટો પૂર્ણ થયા બાદ, આ મહત્ત્વકાંક્ષી સોદાને આખરી મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) સમક્ષ મૂકવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
