<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ઓનલાઈન કેબ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: એપ્સ પર 'એડવાન્સ ટિપ' આપવાના ફીચર પર સરકારે મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ!

ઓલા, ઉબેર અને રેપિડો જેવી રાઈડ-હેઈલિંગ કંપનીઓને મંત્રાલયનો આકરો નિર્દેશ; હવે રાઈડ પૂરી થયા પછી જ આપી શકાશે ટિપ.

નવી દિલ્હી: ઓનલાઈન રાઈડ્સ બુક કરતા ગ્રાહકો માટે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ઓલા (Ola), ઉબેર (Uber) અને રેપિડો (Rapido) જેવા રાઈડ-હેઈલિંગ પ્લેટફોર્મને તેમની એપ્સમાંથી 'એડવાન્સ ટિપ' આપવાનું ફીચર તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયના ધ્યાને આવ્યું હતું કે કેટલીક કેબ એપ્સ ગ્રાહકોને અગાઉથી ટિપ આપવા માટે લલચાવતી હતી, જેથી તેમને રાઈડ ઝડપથી કન્ફર્મ થવાની ખાતરી મળતી હતી.

 

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની ટિપ એ ગ્રાહકની સ્વેચ્છા પર નિર્ભર છે અને તે માત્ર રાઈડ પૂર્ણ થયા બાદ જ આપી શકાય છે. બુકિંગ સમયે જ એડવાન્સ ટિપ માંગવાની પ્રથાથી તે ભાડાનો જ એક ભાગ બની ગઈ હતી, જેના કારણે ગ્રાહકો પર બિનજરૂરી નાણાકીય દબાણ ઊભું થતું હતું અને સામાન્ય ભાડું આપનારા મુસાફરોને રાઈડ મળવામાં વિલંબ થતો હતો.

 

સરકારના આ કડક વલણ બાદ હવે તમામ રાઈડ-હેઈલિંગ પ્લેટફોર્મ્સે તેમની મોબાઈલ એપ્લિકેશનમાં જરૂરી ફેરફારો કરવા પડશે. આ નિર્ણયથી ડિજિટલ કેબ સેવાઓમાં પારદર્શિતા આવશે અને ગ્રાહકોને અગાઉથી વધારાના પૈસા ચૂકવવાની ફરજમાંથી મુક્તિ મળશે.

 

(8:44 PM IST)