તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Wednesday, 12th August 2026
બિહાર સરકારનો મોટો નિર્ણય: ૧૨ ગ્રીનફિલ્ડ સેટેલાઇટ ટાઉનશીપમાં જમીનની ખરીદ-વેચાણ પરથી પ્રતિબંધ હટાવાયો!
કેબિનેટે ૧૦ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને આપી મંજૂરી; રૂફટોપ સોલાર માટે રાજ્ય સરકાર આપશે વધારાની સહાય અને ચાર શહેરોમાં સ્થપાશે બાયોગેસ પ્લાન્ટ.

પટના : બિહાર સરકારે રાજ્યના રિયલ એસ્ટેટ અને શહેરી વિકાસ ક્ષેત્રે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વિકસાવવામાં આવી રહેલી ૧૨ ગ્રીનફિલ્ડ સેટેલાઇટ ટાઉનશીપમાં જમીનની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફર પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં શહેરી વિકાસ વિભાગના આ પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી હજારો જમીન માલિકો અને રોકાણકારોને મોટી રાહત મળશે.
કેબિનેટ સચિવ મોહમ્મદ સોહેલે સ્પષ્ટતા કરી હતી કે વિકાસ યોજનાના આખરી પ્રકાશન બાદ જમીનના વ્યવહારો પરનો પ્રતિબંધ હવે અમલમાં રહેશે નહીં. પાટલીપુત્ર ગ્રીનફિલ્ડ સેટેલાઇટ ટાઉનશીપ સહિત અન્ય શહેરો માટે આ મુક્તિ લાગુ પડશે. જોકે, જમીન ખરીદનારાઓ મનસ્વી રીતે બાંધકામ કરી શકશે નહીં; તમામ મકાન બાંધકામ અને જમીનનો ઉપયોગ બિહાર શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સ (DCR) અને નિયત ધોરણો અનુસાર જ કરવાનો રહેશે.
આ ઉપરાંત, કેબિનેટ બેઠકમાં અન્ય ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતા. 'પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના' હેઠળ રૂફટોપ સોલાર પેનલ લગાવનારા ગ્રાહકોને કેન્દ્ર સરકાર ઉપરાંત બિહાર સરકાર તરફથી પણ વધારાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. સાથોસાથ ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર અને બિહારશરીફ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત સહિત કુલ ૧૦ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
