News of Wednesday, 12th August 2026
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ: ન્યૂ યોર્કની મહિલાએ ભારતીયોની દાણચોરીનો ગુનો સ્વીકાર્યો!
કેનેડા સરહદના જંગલોમાંથી ભારતીય નાગરિકોને યુએસમાં ઘૂસાડવાના કાવતરામાં મોટો ખુલાસો; ગુનેગાર મહિલાને પાંચ વર્ષ સુધીની જેલની સજા થવાની શક્યતા.

ન્યૂ યોર્ક: કેનેડા સરહદ મારફતે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘૂસાડવાના એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કાવતરામાં ન્યૂ યોર્કની એક મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. ન્યૂ યોર્કના પ્લેટ્સબર્ગની ૪૩ વર્ષીય સ્ટેસી ટેલર નામની આ મહિલા ઉત્તરીય સરહદ પરથી મુખ્યત્વે ભારતીયોને અમેરિકામાં લાવતા મોટો નેટવર્કનો ભાગ હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫માં યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ ન્યૂ યોર્કના ચુરુબુસ્કો નજીક ટેલરની ગાડી રોકીને ત્રણ ભારતીયો અને એક કેનેડિયન નાગરિક સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા, જેઓ અતિશય ઠંડીમાં જંગલ વિસ્તારમાંથી પગપાળા સરહદ પાર કરીને આવ્યા હતા.
તપાસ દરમિયાન કાયદા અમલીકરણ એજન્સીઓને મહિલાના સેલફોનમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા હતા. ટેલરને ચોક્કસ લોકેશન કોઓર્ડિનેટ્સ અને સૂચનાઓ મળતી હતી, જેના આધારે તે ઘૂસણખોરોને પોતાની કારમાં બેસાડી સરહદથી દૂર સુરક્ષિત સ્થળે પહોંચાડતી હતી. આ કામ બદલ તેને મોટી રકમ મળવાની અપેક્ષા હતી. ફોન રેકોર્ડ્સની વધુ તપાસમાં સામે આવ્યું કે આ ઘટના પહેલાં અને ધરપકડ બાદ ઓગસ્ટ તથા સપ્ટેમ્બર ૨૦૨૫માં પણ તે માનવ તસ્કરીની અન્ય ઘટનાઓમાં સક્રિય રીતે સામેલ હતી.
મહિલાએ માનવ તસ્કરીના કાવતરા અને આર્થિક લાભ માટે ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવાના ચાર ગંભીર આરોપોમાં પોતાનો વાંક સ્વીકારી લીધો છે. યુએસ કોર્ટ દ્વારા તેને ડિસેમ્બરમાં સજા ફટકારવામાં આવશે, જેમાં તેને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે. કેનેડા બોર્ડર પરથી ભારતીયોની ગેરકાયદેસર ઘૂસણખોરી પર યુએસ એજન્સીઓ હાલ કડક નજર રાખી રહી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
