<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અરવિંદ કેજરીવાલે મધ્યરાત્રિએ સુનિતાનો દરવાજો ખટખટાવી પૂછ્યું હતું- 'લગ્ન કરશો?': પોડકાસ્ટમાં દિલ ખોલીને કરી પ્રેમ, જેલવાસ અને રાજકારણની સ્ફોટક વાતો

IIT રેગિંગથી લઈને ટાટા સ્ટીલમાં રિજેક્શન અને રાઘવ ચઢ્ઢાના જવા સુધી; AAP સુપ્રીમોએ પોતાના અંગત અને રાજકીય જીવનના અજાણ્યા પાસાઓ પરથી પડદો ઊંચક્યો

નવી દિલ્હી: તા.13 આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના જીવનના અનેક રસપ્રદ અને અત્યાર સુધી અજાણ્યા કિસ્સાઓ શેર કરીને સહુને ચોંકાવી દીધા છે. પોતાના અભ્યાસકાળ, લવ સ્ટોરી, ટાટા સ્ટીલની નોકરીથી લઈને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર તેમણે ખુલ્લેઆમ દિલ ખોલીને વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે એન્જિનિયરિંગના દિવસોમાં તેમને પણ ભારે રેગિંગનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે નોકરી છોડતી વખતે તેઓ આવકવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.

 

પોતાની પ્રેમકહાનીનો અત્યંત રસપ્રદ કિસ્સો સંભળાવતાં કેજરીવાલે જણાવ્યું કે, નાગપુરમાં ભારતીય મહેસૂલ સેવા (IRS) ની ટ્રેનિંગ દરમિયાન તેમની મુલાકાત સુનિતા સાથે થઈ હતી, જે તેમની બેચમેટ હતી. ઓળખાણના એકાદ મહિના પછી વાતચીત વધતાં, એક રાત્રે અચાનક તેમણે સુનિતાના રૂમનો દરવાજો ખટખટાવ્યો અને સીધો જ સવાલ કર્યો, "શું તમે મારી સાથે લગ્ન કરશો?" સુનિતાએ ત્યારે 'પછી જવાબ આપીશ' કહીને દરવાજો બંધ કર્યો અને પાછળથી પરિવાર સાથે ચર્ચા કરીને લગ્ન માટે હા પાડી દીધી હતી. આ ઉપરાંત, ટાટા સ્ટીલના ઇન્ટરવ્યુમાં ૧૫૦માંથી માત્ર તેમને જ રિજેક્ટ કરાયા હતા, પરંતુ કંપનીના એમડી ઈરાનીને પત્ર લખી બીજી તક માગીને તેમણે નોકરી મેળવી બતાવી હતી.

 

રાજકીય ચર્ચાઓ પર આકરા પ્રહારો કરતાં કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વિચારધારાના સંપૂર્ણ વિરોધી છે અને દેશમાં બિન-કોંગ્રેસી તેમજ બિન-ભાજપ ગઠબંધનની નિતાંત જરૂરિયાત છે. કોંગ્રેસ સાથે ભવિષ્યમાં કોઈ પણ વાટાઘાટોની શક્યતાને તેમણે સરેરામ ફગાવી દીધી હતી. રાઘવ ચઢ્ઢા અંગે પૂછવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, રાઘવ તેમને છોડીને ચાલ્યા જશે તેવી તેમને બિલકુલ કલ્પના નહોતી.

 

પોતાના જેલવાસના અનુભવને યાદ કરતાં કેજરીવાલે એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે, "દેશના દરેક રાજકારણીએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર તો જેલમાં જવું જ જોઈએ." તેમણે ઉમેર્યું કે જેલની ચાર દીવાલો માણસને અંદરથી એટલી મજબૂત બનાવી દે છે કે તે સંઘર્ષ ચાલુ રાખવા માટે એક અદભુત અને અવિશ્વસનીય તાકાત પૂરી પાડે છે. અણ્ણા હજારે વિશે બોલતાં તેમણે કહ્યું કે અણ્ણા એક વાર કોઈ કામ કરવાનો મન બનાવી લે પછી તે પૂરું કરીને જ જંપતા હતા.

(3:56 PM IST)