<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

મુંબઈના વિલે પાર્લેની ૧૧ માળની ઈમારતમાં ભીષણ આગનો તાંડવ: કપડાં પર ચાલુ ઈસ્ત્રી રહી જતાં સર્જાયી હોનારત, મહિલા અને માસૂમ બાળકનું ગૂંગળામણથી કમકમાટીભર્યું મોત!

શાંતા ભુવન સોસાયટીના ૧૧મા માળે ૪,૦૦૦ ચોરસ ફૂટના ફ્લેટમાં આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ; દાદાએ છ વર્ષની પૌત્રીને બચાવી પણ અઢી વર્ષના માસૂમને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ

 

મુંબઈ: તા.13 મુંબઈના પોશ વિસ્તાર ગણાતા વિલે પાર્લે વેસ્ટમાં આવેલી ૧૧ માળની શાંતા ભુવન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ટોપ ફ્લોર પર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભાળકી ઊઠી હતી. આ કરૂણ આકસ્મિક હોનારતમાં ૨૩ વર્ષીય કેરટેકર મહિલા અને અઢી વર્ષના નિર્દોષ બાળકનું ધુમાડામાં ગૂંગળાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કપડાં પર લાંબો સમય ચાલુ રહેલી ઈલેક્ટ્રિક ઈસ્ત્રી (પ્રેસ) અથવા લિવિંગ રૂમના એસીમાં શોર્ટ સર્કિટ આગ લાગવાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

 

મળતી વિગતો મુજબ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક બાપ્ટિસ્ટા રોડ પર સ્થિત આ બિલ્ડિંગના ફ્લેટ નંબર ૧૧૦૨ માં રાત્રે ૧૦ વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ઘરની મદદનીશ તરીકે કામ કરતી ૨૩ વર્ષીય અનિક્તા છેત્રી બેડરૂમમાં અઢી વર્ષના માસૂમ બાળક અબીરની સંભાળ રાખી રહી હતી, ત્યારે કપડાં પર ચાલુ ઈસ્ત્રી રહી ગઈ હોવાનું મનાય છે. આગ જોતજોતામાં સમગ્ર ફ્લેટમાં ફેલાઈ ગઈ હતી. બાળકની સલામતી માટે અનિક્તા તેને લઈને બાથરૂમમાં છુપાઈ ગઈ હતી, પરંતુ આખો ફ્લેટ ઝેરી ધુમાડાથી ભરાઈ જતાં બંનેના ગૂંગળામણને કારણે કરુણ મોત નીપજ્યા હતા.

 

આગ લાગી તે સમયે અબીરના માતા-પિતા રાત્રિભોજન બાદ બહાર ફરવા ગયા હતા, જ્યારે ઘરમાં તેમના ૬૪ વર્ષીય દાદા હિરેન બાટાવિયા અને કાકા પાર્થ બાટાવિયા હાજર હતા. હિરેનભાઈએ પોતાની છ વર્ષની પૌત્રી મૈરાને સલામત રીતે બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ તેઓ અબીર અને કેરટેકરને બચાવવા માટે ફરી સળગતા ઘરમાં ગયા હતા પરંતુ આગની તીવ્ર જ્વાળાઓને કારણે તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સામાન્ય દાઝી ગયા હતા.

 

મુંબઈ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આ આગને લેવલ-૨ ની જાહેર કરી હતી અને આશરે ત્રણ કલાકની ભારે જહમત બાદ મધ્યરાત્રિએ ૧ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિલે પાર્લે ઇમારતમાં લાગેલી આગે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે, અને ફાયર બ્રિગેડ દ્વારા આગના ચોક્કસ કારણની વધુ વૈજ્ઞાનિક તપાસ ચાલુ રાખવામાં આવી છે.

(4:01 PM IST)