News of Thursday, 13th August 2026
ભારતમાં મોટાપાયે અશાંતિ ફેલાવવાનું મોટું કાવતરું પકડાયું: રાયચુરમાં ચાઈની લારી ચલાવતા યુવકે વિદેશી હેન્ડલર પાસે પિસ્તોલ અને ફંડિંગ માંગતા ધરપકડ!
સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરી મધ્ય પૂર્વમાં બેઠેલા 'રાણા ભાઈ' સાથે સંપર્ક સાધ્યો; રાયચુર પોલીસે ટેકનિકલ મોનિટરિંગ આધારે દેશદ્રોહી કાવતરું નિષ્ફળ બનાવ્યું

બેંગલુરુ: તા.13 કર્ણાટકના રાયચુર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. રાયચુરના પ્રસિદ્ધ ગાંધી ચોક વિસ્તારમાં ચાની લારી ચલાવતા ૨૪ વર્ષીય મોહમ્મદ સાહિલ નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે સાહિલે ભારતમાં સાંપ્રદાયિક અશાંતિ અને હિંસા ભડકાવવાના હેતુથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વિદેશી નાગરિક પાસે પિસ્તોલ અને નાણાકીય મદદની માગણી કરી હતી.
પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલા નિયમિત દેખરેખ દરમિયાન સાહિલની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પકડાઈ હતી. રાયચુરના એસપી અરુણાંગશુ ગિરીના જણાવ્યા મુજબ, જુલાઈ મહિનાથી સાહિલ ઈન્સ્ટાગ્રામ પર અન્ય સમુદાયો વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને ઉશ્કેરણીજનક સામગ્રી લાઈક તથા શેર કરી રહ્યો હતો. સતત ૧૫ દિવસ સુધી તેની ડિજિટલ ગતિવિધિઓ પર નજર રાખ્યા બાદ પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા.
તપાસમાં સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે કે સાહિલે ૧૪ જુલાઈના રોજ 'રાણા ભાઈ' નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વ્હોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી અને ચેટિંગ તથા વોઈસ કોલ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. સાહિલે પોતાના ફોટા અને પોતાની ચાની લારીના ફોટોગ્રાફ્સ વિદેશી હેન્ડલર સાથે શેર કર્યા હતા. સામે પક્ષે રહેલા 'રાણા ભાઈ'એ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે સાહિલને ઉશ્કેર્યો હતો અને તેના માટે પિસ્તોલ તેમજ જરૂરી તમામ ફંડિંગ પૂરું પાડવાની લાલચ આપી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન સાહિલે કબૂલાત કરી છે કે તેને ઉશ્કેરનાર 'રાણા ભાઈ' મધ્ય પૂર્વના દેશમાંથી આ દેશવિરોધી નેટવર્ક ચલાવી રહ્યો છે. પોલીસે આરોપીના ફોનમાંથી દેશવિરોધી અને દ્વેષપૂર્ણ વ્હોટ્સએપ ચેટ્સ તથા ઓડિયો મેસેજનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે, જ્યારે વિદેશી હેન્ડલરની ઓળખ છતી કરવા વધુ તપાસ ચાલુ છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
