ફૂકેટ-દિલ્હી ફ્લાઈટના કમાન્ડ પાઈલટ ડોપ ટેસ્ટમાં 'ગાંજા'ના સેવનમાં પોઝિટિવ આવતાં ખળભળાટ; ગુરુવારથી જ તમામ એરલાઈન પાઈલટોની સઘન તપાસનો આદેશ
ગાંજાના નશામાં ધૂતા પાઈલટે હવામાં ફ્લાઈટ ૩૦૦ ફૂટ નીચે પછાડી!: ૨ ડઝનથી વધુ મુસાફરો લોહીલુહાણ થયા બાદ એર ઈન્ડિયાની મોટો આકરો નિર્ણય; તમામ પાઈલટોનું ડ્રગ ટેસ્ટ ફરજિયાત કરાયું!

નવી દિલ્હી: તા.13 હવાઈ મુસાફરોની જીવની સલામતી સાથે ખીલવાડ કરતી એક અત્યંત શર્મનાક અને ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ એર ઈન્ડિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શન મોડમાં આવી ગયા છે. થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના કમાન્ડ પાઈલટે ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થતાં એરલાઈન કંપનીએ પોતાના તમામ પાઈલટો માટે વ્યાપક અને કડક ડ્રગ પરીક્ષણ (Drug Test) ફરજિયાત બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારથી શરૂ થનારા આ નવા પરીક્ષણમાં તમામ પ્રકારના પ્રતિબંધિત નશાકારક પદાર્થોની તપાસ કરવામાં આવશે.
આ સમગ્ર કાળજા કંપાવી દેનારી ઘટના ૪ ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI2379 અચાનક હવામાં જ ૩૦૦ ફૂટ નીચે પછડાઈ હતી. આ ભયાનક આંચકાના કારણે વિમાનમાં સવાર બે ડઝનથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ થયા હતા. વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યા બાદ તરત જ શંકાના આધારે પાઈલટોનું ફરજિયાત મનોવૈજ્ઞાનિક અને નશાકારક પદાર્થોનું પરીક્ષણ કરાયું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને લેબોરેટરી રિપોર્ટમાં સનસનાટીભર્યો પર્દાફાશ થયો હતો કે ફ્લાઈટના કમાન્ડ પાઈલટે ઉડાન ભરતા પહેલા ગાંજાનું સેવન કર્યું હતું અને તેનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ શરમજનક ખુલાસા બાદ એર ઈન્ડિયાએ ત્વરિત કાર્યવાહી કરીને બંને પાઈલટોને ડ્યુટી રોસ્ટરમાંથી બરતરફ કરી દીધા છે. અહેવાલ અનુસાર, કંપનીના આંતરિક મેમોમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી થનારા ડ્રગ ટેસ્ટ અગાઉના તમામ સામાન્ય ટેસ્ટ કરતાં વધુ વ્યાપક અને આકરા હશે.
આ ઘટનાએ દેશમાં વિમાન મુસાફરીની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરી દીધો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને હાલના ડોપ-ટેસ્ટિંગ પ્રોટોકોલની સમીક્ષા કરવા અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ભારતના ફિટનેસ માળખાને વધુ મજબૂત અને કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
