<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

કંગના રનૌતનો વિપક્ષ પર પલટવાર: 'ગટર છાપ' ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરતા આપ્યો ઓપન ચેલેન્જ; કહ્યું- "જંતર મંતર પર તો શબાના આઝમી જેવા લોકો પણ હતા!"

આખી 'જનરેશન ઝેડ' (Gen Z) ને અપમાનિત કરવાનો કોંગ્રેસનો આરોપ કંગનાએ ફગાવ્યો; ઈન્સ્ટાગ્રામ વિડીયો જારી કરીને કહ્યું, "મેં આખી પેઢી માટે એવું ક્યારેય નથી કહ્યું, મારી સામે નકામો એજન્ડા ચલાવવાનું બંધ કરો"

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતે પોતાના વિવાદસ્પદ નિવેદન પર સોશિયલ મીડિયા પર ફરી એકવાર મોટો ધડાકો કર્યો છે. તાજેતરમાં યુવા પેઢી અંગે કરેલી "ગટર છાપ" અને "જનરેશન ગટર" વાળી ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરતા કંગનાએ વિપક્ષી નેતાઓ અને ટીકાકારોને 'ઓપન ચેલેન્જ' આપી દીધો છે. કંગનાએ વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું છે કે તેઓ એક પણ એવું ચોક્કસ વાક્ય બતાવે જ્યાં તેણે દેશની આખી જનરેશન ઝેડ (Gen Z) પેઢીને "ગટર છાપ" કહી હોય.

 

પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિડીયો શેર કરતા કંગનાએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસના પ્રવક્તાઓ એવો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે મેં દેશના શુદ્ધ અને મહેનતુ યુવાનોને ગટર છાપ કહ્યા છે. દેશમાં જનરેશન ઝેડની વસ્તી લગભગ ૩૦ થી ૩૫ કરોડ છે. જંતર-મંતર પર જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું ત્યાં માંડ ૧૦,૦૦૦ લોકો એકઠા થયા હતા, જેમાંથી અડધાથી વધુ લોકો તો 'શબાના આઝમી ટાઈપ' ની ઉંમરના હતા! ત્યાં દરેક વય જૂથના લોકો ફરી રહ્યા હતા, તો પછી આને માત્ર જનરેશન ઝેડનું પ્રદર્શન કેવી રીતે કહી શકાય?"

 

કંગનાએ આગળ ગણતરી રજૂ કરતા કહ્યું કે, જો ત્યાં માત્ર ૨,૦૦૦ જેટલા યુવાનો હાજર હોય, તો આખી ૩૫ કરોડની યુવા વસ્તી પર ટીકા કરી હોવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. કંગનાએ આકરા પ્રહારો કરતા કહ્યું, "હું ખુલ્લો સવાલ પૂછું છું કે મેં ક્યારેય આખી પેઢીનો સમાવેશ કરીને આવું નિવેદન આપ્યું છે? મારી સામે આ નકામો એજન્ડા ચલાવવાનું બંધ કરો."

 

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે કંગનાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલી કેટલીક યુવતીઓની ટીકા કરતી વખતે સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. તેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કેટલીક કહેવાતી આધુનિક મહિલાઓ અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે નશા અને જવાબદારી વગરની જીવનશૈલી જીવી રહી છે. આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર કંગના વિરુદ્ધ ભારે વિરોધ શરૂ થયો હતો, જેનો હવે તેણે આક્રમક રીતે જવાબ આપ્યો છે.

 

(6:45 PM IST)