તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
કેનેડિયન નાગરિકતા મેળવવાનું સપનું મોંઘું બન્યું : સર્ટિફિકેટ માટેનો વેટિંગ પિરિયડ વધીને ૨૫ મહિના થયો; બેકલોગ ૧,૨૧,૦૦૦ ને પાર!
નવા નિયમો અને દસ્તાવેજોની ચકાસણીને કારણે અરજીઓમાં જંગી ઉછાળો; જુલાઈથી ઓગસ્ટ વચ્ચે જ ૨૨ ટકાનો અણધારી વધારો નોંધાયો

ઓટાવા: કેનેડાની નાગરિકતા મેળવવા ઈચ્છતા લાખો લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડિયન નાગરિકતા પ્રમાણપત્ર (Citizenship Certificate) માટે રાહ જોવાનો સમયગાળો અણધારી રીતે વધીને પૂરા ૨૫ મહિના (બે વર્ષથી વધુ) સુધી પહોંચી ગયો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) પાસે નિર્ણયની રાહ જોઈ રહેલી અરજીઓનો ખડકલો થઈ ગયો છે, જે ૧૦ ઓગસ્ટ સુધીમાં વધીને ૧,૨૧,૮૦૦ ના આંકડાને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ રાહ જોવાનો સમય આ વર્ષના મે મહિનામાં ૧૨ મહિના અને જુલાઈમાં ૧૯ મહિના હતો, જે હવે વધીને ૨૫ મહિને પહોંચ્યો છે.
અરજીઓમાં આવેલા આ અભૂતપૂર્વ ઉછાળા પાછળ કેનેડા સરકાર દ્વારા ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ નાગરિકતાના નિયમોમાં કરવામાં આવેલો મોટો ફેરફાર મુખ્ય જવાબદાર છે. સરકારે 'વંશ દ્વારા નાગરિકતા' (Citizenship by Descent) મેળવવા પર લાગૂ પ્રથમ પેઢીની મર્યાદા દૂર કરી દીધી હતી. આ નિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિનો કોઈ પૂર્વજ (દાદા-દાદી કે પરદાદા) કેનેડિયન નાગરિક રહ્યો હોય, તો તે ભલે ગમે તેટલી પેઢીઓ દૂર હોય, છતાં કેનેડિયન નાગરિકતાનો દાવો કરી શકે છે. આ નિયમ બદલાતા જ અમેરિકા સહિત વિશ્વભરમાંથી કેનેડિયન વંશ ધરાવતા લોકોની અરજીઓનો ભરાવો થઈ ગયો છે.
અરજીઓની આ સુનામી સિવાય પ્રક્રિયામાં વિલંબ થવાનું બીજું એક મુખ્ય કારણ IRCC દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરની દસ્તાવેજોની સમીક્ષા છે. એજન્સીએ યુ.એસ. માં જારી કરાયેલા કેટલાક પ્રમાણપત્રોના બેકગ્રાઉન્ડ દસ્તાવેજોની તપાસ કરવા માટે જૂન મહિનામાં નવી અરજીઓને આખરી મંજૂરી આપવાનું કામ થોડા સમય માટે સ્થગિત કર્યું હતું. ૩૦ જૂને આ સમીક્ષા પૂર્ણ થયા બાદ કામગીરી પુનઃ શરૂ થઈ હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન અરજીઓનો મોટો બેકલોગ ભેગો થઈ ગયો હતો.
તજજ્ઞોના જણાવ્યા મુજબ, જે લોકો નાગરિકતા મેળવવા માટે પાત્ર છે તેમણે અરજી કરવામાં જરાય વિલંબ કરવો જોઈએ નહીં, કારણ કે આવનારા સમયમાં આ પ્રોસેસિંગ ટાઈમ વધુ લંબાઈ શકે છે. કેનેડિયન નાગરિકતા પ્રમાણપત્ર એ નાગરિકતાનો સત્તાવાર પુરાવો છે અને તેના આધારે કેનેડિયન પાસપોર્ટ માટે અરજી કરી શકાય છે. જોકે, બેકલોગ સતત વધી રહ્યો હોવાથી હવે નવા અરજદારોએ લાંબા વિલંબ માટે તૈયાર રહેવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
