<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

"પીએમ મોદી રાત્રે ઊંઘી શકતા નથી...": દિલ્હીમાં રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

માવલંકર હોલમાં યોજાયેલા કન્વેન્શનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને વિપક્ષ પર નિશાન સાધતા દાવો કર્યો કે દેશની જનતાના અવાજ સામે કેન્દ્ર સરકાર ભાંગી પડી છે, સાથે જ અમિત શાહ અને આરએસએસ પર ગંભીર આક્ષેપો કર્યા

નવી દિલ્હી :  રાજધાની દિલ્હીના માવલંકર હોલ ખાતે આયોજિત ક્રિએટિવ કોંગ્રેસ કન્વેન્શનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે આક્રમક વલણ અપનાવતા રાજકીય ક્ષેત્રે મોટો ગરમાવો લાવી દીધો છે. પોતાના સંબોધનમાં રાહુલે તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "અમારું કામ હવે ખૂબ સરળ છે, અમે તેમને રાજકીય રીતે ઘેરીને અસ્વસ્થ કરી દઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે શાંતિથી ઊંઘી શકતા નથી અને તેની પાછળ એક મુખ્ય કારણ સાથે ઘણા છુપાયેલા કારણો પણ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશની જનતા હવે પોતાનો અવાજ બુલંદ કરી રહી છે અને સરકાર સામે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી રહી છે, જેનો સામનો કરવામાં કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે, "જેમને લોકો ચાણક્ય કે સરદાર પટેલ કહેતા હતા, તે અમિત શાહ ક્યાં ગાયબ થઈ ગયા છે? તેઓ સતત ૨૦ દિવસ સુધી સંસદમાં પ્રવેશવાની હિંમત પણ દાખવી શક્યા નહોતા." રાહુલે આક્ષેપ કર્યો હતો કે ઇતિહાસમાં પહેલીવાર આ નેતાઓ ભારતના સાચા અવાજ અને જનતાની શક્તિનો સામનો કરી રહ્યા છે. દેશમાં કેટલાંક લોકો આ સત્તા સામે કાયરતા દર્શાવી રહ્યા છે તે બાબતે દુઃખ વ્યક્ત કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે આ લોકો જોકરોનો સમૂહ છે, જેમને ભારતની સંસ્કૃતિ, દર્શનશાસ્ત્ર કે ઇતિહાસનું કોઈ જ્ઞાન નથી અને જેઓ ભારતની મૂળ ભવનાઓ સાથે જોડાઈ શકતા નથી.

પોતાના ભાષણના અંતિમ ચરણમાં રાહુલે સંઘ (RSS) અને કેન્દ્ર સરકારના સંબંધો પર ગંભીર આક્ષેપો મૂકતા કહ્યું કે, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મોટા મૂડીપતિઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું છે અને અંબાણી-અદાણી જેવા જૂથોએ આરએસએસ પર કબજો કરી લીધો છે." તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં આરએસએસમાં નાના વેપારીઓ, મીઠાઈવાળાઓ અને વાણિયા સમુદાયના લોકો હતા, પરંતુ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો લાદીને આ નાના વર્ગને સંપૂર્ણપણે બરબાદ કરી દેવાયો છે. વડાપ્રધાનની વિદેશ નીતિ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે માત્ર લોકોને ગળે લગાવવું એ વિદેશ નીતિ ન હોઈ શકે, અને આ કહીને તેમણે મંચ પર હાજર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને લોકોને સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો.

(7:55 PM IST)