તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
૨૦ વર્ષમાં ૨૫ બદલીઓ પણ કડક મિજાજ ન બદલી શકી: દબંગ IAS અધિકારી તુકારામ મુંડેએ મહારાષ્ટ્ર FDA માં ચાર્જ સંભાળતા જ મચાવ્યો હડકંપ!
માત્ર બે મહિનામાં ૧,૧૦૦ થી વધુ જગ્યાએ દરોડા અને ₹૪૯.૫૭ કરોડનો ભેળસેળયુક્ત માલ જપ્ત; પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સના લાઇસન્સ સસ્પેન્ડ થતા કારોબારીઓમાં ભારે ફાળ

મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તરીકેનો પદભાર સંભાળતા જ કડક અને ઈમાનદાર છાપ ધરાવતા IAS અધિકારી તુકારામ મુંડે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. પોતાના ૨૦ વર્ષના કાર્યકાળમાં ૨૫ વખત બદલી થવાનો રેકોર્ડ ધરાવતા આ આક્રમક અધિકારીએ મહારાષ્ટ્રના હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ભારે ફફડાટ વ્યાપી દીધો છે. ૨૫ મેના રોજ ચાર્જ સંભાળ્યા બાદથી તેમણે વહીવટી તંત્રની કામગીરી સંપૂર્ણપણે બદલી નાખી છે અને જનઆરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે.
તસવીરો અને પ્રેસ નોટ્સના ધમાકા સાથે શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ FDA ની ટીમોએ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૧૩૧ થી વધુ સ્થળોએ આકસ્મિક તપાસ કરી દરોડા પાડ્યા છે, જેમાં દરરોજ સરેરાશ ૨૦ થી વધુ કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા ₹૪૯.૫૭ કરોડની કિંમતનો ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૧.૬ લાખ લિટર જેટલું ભેળસેળયુક્ત દૂધ પણ શામેલ છે. આ ઉપરાંત ગેરકાયદેસર ગુટખાના વેપારીઓ સામે MCOCA જેવા કડક કાયદા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે અને ૫૬ થી વધુ રેસ્ટોરન્ટ્સના લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે.
મુંડેની આ કડક કાર્યવાહીનો કોપ માત્ર નાના વેપારીઓ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ મુંબઈની દાયકાઓ જૂની અને નામાંકિત બ્રાન્ડ્સ પણ તેના રડારમાં આવી ગઈ છે. સદી જૂની પ્રખ્યાત 'નૂર મોહમ્મદી', 'શાલીમાર', ૭૩ વર્ષ જૂની 'કે. રુસ્તમ એન્ડ કંપની', ૧૧૦ વર્ષ જૂનું 'પારસી ડેરી ફાર્મ' તેમજ આદિત્ય બિરલા ગૃપનું 'વોર્સો' અને સેલિબ્રિટી શેફ રાહુલ અકેરકરનું રેસ્ટોરન્ટ 'ફ્લિન્ટ' જેવી મોટી બ્રાન્ડ્સ સામે પણ કાયદેસરના સસ્પેન્શન અને દંડના આકરા પગલાં લેવામાં આવ્યા છે.
બ્રાન્ડ્સ અને બિઝનેસમેનો માટે ભલે તેઓ સિમ્બોલ ઓફ ટેરર બની ગયા હોય, પરંતુ જનતા માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત FDA મુખ્યાલય ખાતે દરરોજ સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન 'જનતા દરબાર' યોજાય છે, જ્યાં સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો સીધી કમિશનર સમક્ષ રજૂ કરી શકે છે. જોકે, મુંડેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર આરોગ્ય અને સુરક્ષા સાથે સમાધાન કરનાર ગમે તેટલો વગદાર વ્યક્તિ હશે તો પણ તેને બક્ષવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
