હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વતંત્રતા દિવસ પૂર્વે રાજધાની દિલ્હીમાં મોટો ખળભળાટ: હાઈકોર્ટ, એરપોર્ટ અને જામનગર હાઉસ સહિત 5 મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર!
બપોરે 2 વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરાવવાના ઈમેલ મેસેજથી મચી અફરાતફરી: બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ ત્વરિત સર્ચ ઓપરેશન હાથ ધર્યું

નવી દિલ્હી: તા.14: દેશ જ્યારે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓમાં મશગૂલ છે, ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. 15મી ઓગસ્ટ પહેલાં દિલ્હીના અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા પાંચ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ મળતાં જ સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ ધમકીઓમાં દિલ્હી હાઈકોર્ટ, ટર્મિનલ-3 દિલ્હી એરપોર્ટ, જામનગર હાઉસ, ઝાંડેવાલન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ તેમજ એમબી સાકેત/ડીએમ ઓફિસ અને એસડીએમ ઓફિસ (દિલ્હી કેન્ટ) જેવા અતિ સુરક્ષિત વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
અહેવાલો મુજબ, દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલના સત્તાવાર ઈમેલ આઈડી પર એક સનસનાટીભર્યો ઈમેલ આવ્યો હતો. આ ધમકીભર્યા પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોર્ટ પરિસર અને માનનીય ન્યાયાધીશોના ચેમ્બરમાં હાઈ-એક્સ્પ્લોઝિવ બોમ્બ ગોઠવી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચીમકી આપવામાં આવી હતી કે જો બપોરે 2:00 વાગ્યા સુધીમાં આખું કોર્ટ પરિસર ખાલી કરાવવામાં નહીં આવે, તો ભયાનક વિસ્ફોટ કરવામાં આવશે. આ મેસેજ મળતાં જ રજિસ્ટ્રાર જનરલે તાત્કાલિક દિલ્હી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ ધમકીભર્યા કૉલ અને ઈમેલની જાણ થતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), સ્નિફર ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગનો કાફલો તમામ પાંચેય ઘટનાસ્થળે ધસી ગયો હતો. સુરક્ષા દળોએ સમગ્ર પરિસરોને ઘેરી લઈને સઘન તોડફોડ વિરોધી તપાસ (Anti-Sabotage Check) અને ખૂણેખૂણાનું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. સદનસીબે, ફાયર વિભાગ અને પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી, જેથી એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ જ આવી ધમકી મળવાને કારણે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. એરપોર્ટ અને સરકારી કચેરીઓ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સાયબર સેલ દ્વારા આ ખોફનાક ઈમેલ મોકલનાર અજ્ઞાત શખ્સનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
