<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ટાટા સામ્રાજ્યનું હૃદય અને તાજનું રત્ન એટલે 'બોમ્બે હાઉસ': 102 વર્ષ જૂની આ ઐતિહાસિક ઇમારત શા માટે છે આટલી ખાસ?

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલું ટાટા ગ્રુપનું વૈશ્વિક મુખ્યાલય: ગેટવે ઓફ ઈન્ડિયા બનાવનાર બ્રિટિશ આર્કિટેક્ટે આકાર આપ્યો હતો આ ભવ્ય વિરાસતને

નવી દિલ્હી: તા.14: ભારત અને દુનિયાભરમાં પોતાના વ્યાપારી સામ્રાજ્યનો ડંકો વગાડનાર ટાટા ગ્રુપ (Tata Group) ની ઓળખ માત્ર તેના વિશાળ કારોબાર પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે જોડાયેલી ઐતિહાસિક વિરાસતો પણ એટલી જ અનોખી છે. દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં હોમી મોદી સ્ટ્રીટ પર આવેલી 'બોમ્બે હાઉસ' (Bombay House) નામના સરનામાની ગણના ભારતીય કોર્પોરેટ જગતની સૌથી પ્રતિષ્ઠિત અને ભવ્ય ઇમારતોમાં થાય છે. આ એ જ સ્થાપત્ય છે જ્યાંથી વિશ્વભરમાં ફેલાયેલા ટાટા સમૂહના અબજો ડોલરના સામ્રાજ્યનું સંચાલન થાય છે અને દેશના આર્થિક ભવિષ્યને ઘડતા મુખ્ય નિર્ણયો લેવાય છે.

 

વર્ષ 1924માં બનીને તૈયાર થયેલી આ ઈમારત આજે પોતાના 102 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આ કલાત્મક અને ઐતિહાસિક સ્થાપત્યની ડિઝાઇન પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટ્ટેટ (George Wittet) દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ એ જ મહાન આર્કિટેક્ટ છે જેમણે મુંબઈનું પ્રખ્યાત 'ગેટવે ઓફ ઈન્ડિયા', 'પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ' અને 'કે.ઈ.એમ. હોસ્પિટલ' જેવી સુપ્રસિદ્ધ ઈમારતોની પણ ડિઝાઇન બનાવી હતી. યુરોપિયન અને ભારતીય શૈલીના મિશ્રણ સમાન આ ઈમારતમાં ટાટા ગ્રુપના ટોચના અધિકારીઓ અને ચેરમેન બેસે છે.

 

'બોમ્બે હાઉસ' માત્ર ટાટા ગ્રુપનું ગ્લોબલ હેડક્વાર્ટર જ નથી, પરંતુ ટાટા સમૂહના મૂલ્યો અને ભવ્ય વારસાનું પ્રતિક છે. સ્થાપત્ય કળાનો અદ્ભુત નમૂનો ગણાતી આ ચાર માળની ઈમારતમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન વૈભવનો સુંદર સમન્વય જોવા મળે છે. દેશના ઉદ્યોગ જગતમાં 'બોમ્બે હાઉસ' એક એવું સરનામું છે જે ટાટા પરિવારની દૂરદર્શિતા, ઈમાનદારી અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના સમર્પણની યાદ અપાવે છે.

 

(3:34 PM IST)