તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
કર્ણાટક સરકારનો મોટો યુ-ટર્ન: ગુટખા પર પ્રતિબંધ મૂક્યાના ગણતરીના દિવસોમાં આદેશ પાછો ખેંચવાની તૈયારી, સોપારીના ભાવ ઘટવાના ડરે ખેડૂતો અને નેતાઓ મેદાને!
આરોગ્ય વિભાગની ઉતાવળિયા નિર્ણય બદલ આકરી ઝાટકણી: પ્રતિબંધની જાહેરાત થતાં જ કાળાબજારી શરૂ, ₹25નું ગુટખાનું પેકેટ ₹100માં વેચાયું

બેંગલુરુ: તા.14: કર્ણાટક સરકાર દ્વારા તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા તેમજ પાન મસાલા પર લાદવામાં આવેલા પ્રતિબંધને લઈને એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઉભો થયો છે. ગુટખાના વેચાણ પર એક વર્ષ માટે પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યાના માત્ર બે જ દિવસમાં સરકારે નીતિગત યુ-ટર્ન લેવો પડ્યો છે. સોપારીની ખેતી કરતા ખેડૂતોના હિત અને બજારમાં સોપારીના ભાવ તળિયે બેસી જવાના ભયને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે આ જાહેરનામું પાછું ખેંચવા માટે આરોગ્ય વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આરોગ્ય વિભાગે તમાકુ અને નિકોટિન યુક્ત પાન મસાલાના અલગ-અલગ વેચાણ પર રોક લગાવવા માટે કેબિનેટ સમક્ષ પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુરુવારે કેબિનેટે તેને મંજૂરી આપતાં જ રાજ્યભરમાં ગુટખાના કાળાબજાર અને સંગ્રહખોરીનો ભારે ઉપદ્રવ શરૂ થઈ ગયો હતો. કોપ્પલ સહિતના અનેક વિસ્તારોમાં લોકો ગુટખાની ગુણો ભરી ભરીને ખરીદવા લાગ્યા હતા, જેના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ હતી અને ₹25માં મળતું ગુટખાનું પેકેટ કાળાબજારમાં ₹100 સુધીના આસમાની ભાવે વેચાવા લાગ્યું હતું.
બીજી તરફ, રાજ્યના આઠ મુખ્ય સોપારી ઉત્પાદક જિલ્લાઓના પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોનું એક મોટું પ્રતિનિધિમંડળ તાત્કાલિક મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને મળવા પહોંચ્યું હતું. નેતાઓએ રજૂઆત કરી હતી કે ગુટખા પરના પ્રતિબંધથી સોપારીના માંગ અને ભાવ પર ગંભીર પ્રતિકૂળ અસર પડશે, જેનાથી હજારો સોપારી ઉત્પાદક ખેડૂતો પાયમાલ થઈ જશે. આ રજૂઆત બાદ મુખ્યમંત્રીએ આ મુદ્દે પૂરતી માહિતી ન આપવા બદલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી.
મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે કેબિનેટ સમક્ષ આ પ્રસ્તાવ લાવતા પહેલા તમામ આર્થિક અને કૃષિ પાસાઓની યોગ્ય સમીક્ષા કરવામાં આવી નહોતી. જેના પગલે તેમણે 12 ઓગસ્ટના રોજ જારી કરાયેલું પ્રતિબંધિત જાહેરનામું તુરંત અસરથી પાછું ખેંચવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી સોપારી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે રાજ્યમાં ગુટખા પ્રતિબંધનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના એરણે ચડ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
