News of Friday, 14th August 2026
ઐતિહાસિક ક્ષણ: 80મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રથમ વખત ગૂંજશે 'વંદે માતરમ', દેશભક્તિનો અદભુત માહોલ સર્જાશે!
રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય: ધ્વજવંદન સમારોહના મુખ્ય ભાગ તરીકે રાષ્ટ્રીય ગીત રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી: તા.14: ભારત દેશ જ્યારે 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી એક નવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણી દરમિયાન આ વર્ષે પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' પૂર્ણ ગૌરવ સાથે ગવાય તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિનો મંત્ર બનેલું આ ગીત ધ્વજવંદન સમારોહનો એક અવિભાજ્ય અને મહત્વપૂર્ણ ભાગ બનશે.
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે એક ખાસ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 1876માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલા આ અમર ગીત 'વંદે માતરમ'ની રચનાને આ વર્ષે 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સીમાચિહ્નરૂપ વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે અને દેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ચેતના જગાવવા માટે આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી વિશેષ સ્વરે વંદે માતરમનું ગાન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 'વંદે માતરમ' સૌપ્રથમ બંકિમચંદ્રની 1882ની પ્રખ્યાત બંગાળી નવલકથા 'આનંદમઠ'માં પ્રકાશિત થયું હતું. 1905ના બંગાળના ભાગલા વિરોધી આંદોલન અને સ્વદેશી ચળવળ દરમિયાન બ્રિટિશ હકુમત સામે લડતા ક્રાંતિકારીઓ માટે આ ગીત એક શક્તિશાળી શસ્ત્ર અને એકતાનું પ્રતીક બન્યું હતું. "હું તને નમન કરું છું, ભારત માતા" એવા ભાવાર્થ સાથે માતૃભૂમિની સમૃદ્ધિ, પ્રાકૃતિક સૌંદર્ય અને શક્તિનું વર્ણન કરતું આ ગીત દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
વર્ષ 1950માં ભારતીય બંધારણ સભા દ્વારા 'જન ગણ મન'ને રાષ્ટ્રગીત (National Anthem) નો દરજ્જો આપવામાં આવ્યો હતો, જ્યારે 'વંદે માતરમ'ને રાષ્ટ્રીય ગીત (National Song) તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. હવે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાલ કિલ્લા પરથી ગૂંજવા જઈ રહેલા વંદે માતરમના સૂર સમગ્ર દેશવાસીઓને દેશભક્તિના રંગે રંગી દેશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
