તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
14 ઓગસ્ટ 1947ની એ ઐતિહાસિક મધ્યરાત્રિ: નેહરુના 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ પહેલાં સેન્ટ્રલ હોલમાં ગુંજ્યો હતો સુચેતા કૃપાલાણીનો અવાજ, ગાયું હતું 'વંદે માતરમ'!
સ્વતંત્ર ભારતના ઇતિહાસનું અણમોલ પાનું: 14 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યે બંધારણ સભાની કાર્યવાહીનો પ્રારંભ જ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના મધુર સૂર સાથે થયો હતો

નવી દિલ્હી: તા.14: જ્યારે 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રથમ વખત 'વંદે માતરમ' ગૂંજવા જઈ રહ્યું છે, ત્યારે સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસનું એક અદ્ભુત અને રોમાંચક પાનું યાદ કરવું અનિવાર્ય બની જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ જ્યારે આખો દેશ આઝાદીની નવલી સવારની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ અવાજ તરીકે સેન્ટ્રલ હોલમાં વંદે માતરમ જ ગુંજાયું હતું.
14 ઓગસ્ટ 1947ની એ ઐતિહાસિક રાત્રે 11:00 વાગ્યે દિલ્હીનો સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ ઝગમગતી રોશની અને દેશભક્તિના વાતાવરણથી ઝળહળી રહ્યો હતો. બંધારણ સભાના તમામ સભ્યો પોતાની બેઠકો પર બિરાજમાન હતા. બરાબર 11 વાગ્યે સભાની કાર્યવાહી શરૂ થઈ અને જવાહરલાલ નેહરુના વિશ્વપ્રસિદ્ધ ભાષણ 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' (Tryst with Destiny) પહેલાં, દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન મેળવનાર સુચેતા કૃપાલાણીએ પોતાના બુલંદ અને મધુર અવાજમાં 'વંદે માતરમ'નું ગાન કર્યું હતું.
એ રાત્રે સુચેતા કૃપાલાણી દ્વારા ગવાયેલા વંદે માતરમના સ્વરોએ સંસદના હોલમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને ભાવવિભોર કરી દીધા હતા. રાષ્ટ્રીય ગીતના ગાન બાદ જ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતાનું ઐતિહાસિક સંબંધન આપ્યું હતું, જેમાં તેમણે યુગોથી સુષુપ્ત ભારતની આઝાદીની ઘોષણા કરી હતી. એ મધ્યરાત્રિનો પ્રથમ સૂર જ રાષ્ટ્રગીત બનેલું વંદે માતરમ હતું.
આજે 79 વર્ષ બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે અને રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગવાશે, ત્યારે 1947ની એ મધ્યરાત્રિએ સજ્જ થયેલી સ્વતંત્રતાની પ્રથમ ક્ષણનો ઈતિહાસ ફરી એકવાર જીવંત થઈ ઉઠશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
