નાંદેડમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર તીક્ષ્ણ કિરપાણથી ભયાનક હુમલો: આરોપી નિહંગે પોલીસ સામે કર્યો સનસનાટીભર્યો દાવો, કહ્યું- 'મને વાહેગુરુ તરફથી જ આદેશ મળ્યો હતો'!
મુંબઈની કોર્પોરેટ કંપનીનો ભૂતપૂર્વ વકીલ જસપાલ સિંહ બન્યો હુમલાખોર: દોઢ કલાક ચાલેલી જટિલ સર્જરી બાદ બાદલને હોસ્પિટલમાંથી અપાઈ રજા, પંજાબ જવા રવાના

નાંદેડ: તા.14: મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ગુરુદ્વારા માતા સાહિબ દેવાન જી મુગત ખાતે શિરોમણી અકાલી દળ (SAD) ના વડા અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર થયેલા આત્મઘાતી હુમલાથી સનસનાટી મચી ગઈ છે. ગુરુદ્વારાની સીડીઓ ઉતરી રહેલા બાદલ પર જસપાલ સિંહ નામના એક નિહંગે પોતાના અન્ય ત્રણ સાથીઓ સાથે મળીને કિરપાણ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાદલના જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી નિહંગને સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો.
પોલીસ કસ્ટડીમાં હાથ ધરાયેલી આકરી પૂછપરછ દરમિયાન આરોપી જસપાલ સિંહે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે નાંદેડના ગુરુદ્વારામાં પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેને સાક્ષાત્ 'વાહેગુરુ' તરફથી જ આ હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જસપાલ સિંહ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક શિક્ષિત વકીલ છે, જે અગાઉ મુંબઈની એક નામચીન કોર્પોરેટ ફર્મમાં નોકરી કરતો હતો. વર્ષ 2023માં તે પુણેમાં પોતાની પત્ની અને પુત્રીને છોડીને સાંસારિક જીવન ત્યજી નાંદેડ આવી ગયો હતો અને નિહંગ સેવાદાર બની ગયો હતો.
બીજી તરફ, હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં સુખબીર સિંહ બાદલને તાત્કાલિક નાંદેડની યશોસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને પ્લાસ્ટિક સર્જન દ્વારા આશરે 90 મિનિટ (દોઢ કલાક) સુધી તેમની જટિલ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમના હાથની અલ્નર ધમની અને ચેતા (Nerve) ને તીક્ષ્ણ હથિયારથી ઊંડો ઘા વાગ્યો હતો. શુક્રવારે બપોરે તેમની હાલત સ્થિર થતાં અને ખતરાની બહાર જણાતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓ પંજાબ જવા રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, સુખબીર સિંહ બાદલ પર અગાઉ ડિસેમ્બર 2024માં પણ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) ના પ્રવેશદ્વાર પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. મહારાષ્ટ્ર પોલીસ હાલમાં આ હુમલા પાછળનો મુખ્ય હેતુ, આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા અન્ય સાથીદારોના નેટવર્કને ટ્રેસ કરવા માટે ઊંડી તપાસ ચલાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
