<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

પતિની નિર્મમ હત્યા કરનાર કળિયુગી માતાને આજીવન કેદની સજા સંભળાવાતાં જ બાળકોએ ફેરવી લીધું મોં: રોતી દીકરીએ કહ્યું- 'આવી માને ફાંસી આપો!'

અલીગઢ કોર્ટે માત્ર 6 મહિનામાં કેસ ચલાવી પ્રેમી અને પત્નીને ફટકારી આજીવન કેદ: સગા 16 વર્ષના પુત્રએ આપી મા વિરુદ્ધ ગંભીર જુબાની

અલીગઢ: તા.14: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના બરલા શહેરમાં બનેલી એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટનામાં અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. નોઈડામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પતિ સુરેશ કુમારની પ્રેમી સાથે મળીને નિર્મમ હત્યા કરનાર પત્ની બીના અને તેના પ્રેમી મનોજને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (II) તોષ કુમાર શર્માની કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. સજા સંભળાવાયા બાદ કોર્ટરૂમમાં એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં માતાની કરતૂતોથી ગુસ્સે ભરાયેલાં તેનાં જ સંતાનોએ તેના તરફથી મોં ફેરવી લીધું હતું.

 

આ સનસનાટીભર્યા હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક સુરેશ કુમારના પોતાના જ 16 વર્ષના પુત્ર નિતેશે કોર્ટમાં પોતાની જન્મદાત્રી માતા વિરુદ્ધ જુબાની આપી હતી. નિતેશે અદાલત સમક્ષ વિગતવાર વર્ણન કર્યું હતું કે કેવી રીતે તેની મા બીનાએ પ્રેમી મનોજ સાથે મળીને પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સુનાવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે મૃતકની સગીર પુત્રી રોશનીને તેની ઈચ્છા પૂછી ત્યારે આંસુભરી આંખો સાથે દીકરીએ કહ્યું હતું કે, "આવી માતાને ફાંસીની સજા આપવી જોઈએ, તેને કોઈ દયા કે છૂટછાટ ન મળવી જોઈએ."

 

ઘટનાની વિગતો મુજબ, 10 જુલાઈ 2025ના રોજ બીનાએ યુક્તિપૂર્વક પોતાના પતિ સુરેશને દિલ્હી જતો અટકાવ્યો હતો અને તેને ઘરની બહાર બેસાડ્યો હતો. ત્યારબાદ પ્રેમી મનોજે આવીને પિસ્તોલથી સુરેશની છાતીમાં ગોળી મારી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગોળી વાગ્યા બાદ પણ બીના મનોજને બૂમો પાડીને કહી રહી હતી કે "તે બચવો ન જોઈએ, વધુ ગોળીઓ ચલાવ." પતિ જ્યારે તડપી રહ્યો હતો ત્યારે નિર્દય પત્નીએ તેનું ગળું પણ દબાવી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય અને કેસના આઘાતમાં કેસ દાખલ કરાવનાર સુરેશના ભાઈ વિજય સિંહનું પણ થોડા મહિનાઓ બાદ મૃત્યુ થયું હતું.

 

અદાલતે માત્ર 6 મહિનાના ગાળામાં આઠ સાક્ષીઓની પૂછપરછ અને પુરાવાઓની ચકાસણી કરીને ટ્રાયલ પૂર્ણ કરી હતી. ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે પતિ-પત્નીનો સંબંધ સર્વોચ્ચ વિશ્વાસનો હોય છે, જેને આ કેસમાં તાર-તાર કરવામાં આવ્યો છે. કોર્ટે બંને ગુનેગારોને આજીવન કેદ ઉપરાંત રૂ. 35,000નો દંડ ફટકાર્યો છે અને આ સંપૂર્ણ રકમ પીડિત બાળકોને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

 

(4:09 PM IST)