<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર યુદ્ધ ઘેરાયું: ડ્રમ શાસનના સલાહકાર પીટર નવારોની ગંભીર ધમકી, કહ્યું- 'ભારત અમારા રડાર પર છે'!

ચીની સામાનનું મૂળ બદલી ટેરિફ ચોરી કરવાના 'શેડો નેટવર્ક'માં ભારત સામેલ હોવાનો ગંભીર આરોપ: રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી મુદ્દે પણ 100% ટેરિફ લાદવાની ચેતવણી

વોશિંગ્ટન: તા.14: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી અને વ્હાઇટ હાઉસના વેપાર તથા ઉત્પાદન સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકીને મોટી રાજદ્વારી અને આર્થિક સનસનાટી મચાવી દીધી છે. નવારોએ સત્તાવાર દાવો કર્યો છે કે ચીન પર લાદવામાં આવેલા ભારે અમેરિકી ટેરિફથી બચવા માટે જે "ગુપ્ત ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક" ચાલી રહ્યું છે, તેમાં ભારત પણ સક્રિય રીતે સામેલ છે અને આ કારણે ભારત હાલ અમેરિકાના રડાર પર છે.

 

પીટર નવારો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ખાસ રિપોર્ટ અનુસાર, ચીની ઉત્પાદનોને યુએસ ટેરિફથી બચાવવા માટે ત્રીજા દેશો દ્વારા રી-લેબલિંગ અને રિ-પેકેજિંગ કરીને અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. આ 'ટ્રાન્સ-શિપમેન્ટ કૌભાંડ'ને કારણે યુએસ સરકારને વાર્ષિક 19 બિલિયનથી 26 બિલિયન ડોલરની ટેરિફ આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કૌભાંડમાં ભારત ઉપરાંત મેક્સિકો, કેનેડા, જાપાન, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયા સહિત 40 થી વધુ દેશો ચીનને મદદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

 

પોતાના કડક વલણને સ્પષ્ટ કરતા નવારોએ ખુલ્લી ચેતવણી આપી છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના નવા વેપાર માળખા હેઠળ આવા શેડો નેટવર્કનો ઉપયોગ કરનારા દેશો સામે આકરા પગલાં લેવાશે. એટલું જ નહીં, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી સતત વધારવા બદલ પણ નવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે નવા પ્રતિબંધ કાયદા હેઠળ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 100% સુધીનો દંડનીય ટેરિફ લાદવામાં આવી શકે છે.

 

અત્રે નોંધનીય છે કે, પીટર નવારો અગાઉ પણ ભારતને "ટેરિફનો રાજા" કહીને વિવાદ ઊભો કરી ચૂક્યા છે. પોતાની તીખી ટિપ્પણીઓ બદલ ભારતીય યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓનો જવાબ આપતા તેમણે વ્હાઇટ હાઉસમાંથી કહ્યું હતું કે, "ભારતમાંથી મારા પર ઇન્ટરનેટ દ્વારા અનેક ઘૃણાસ્પદ હુમલાઓ થઈ રહ્યા છે, પરંતુ આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ કારણ કે અમેરિકામાં સમસ્યાઓ ઉકેલવાની આ યોગ્ય રીત નથી."

(4:41 PM IST)