<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) માં સતત 12 વર્ષથી એકચક્રી શાસન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી: ચેરમેન મનન કુમાર મિશ્રાની અમર્યાદિત સત્તા અને મનસ્વી નિર્ણયો પર ઉઠ્યા ગંભીર સવાલો!

સતત 7મી વખત બિનહરીફ ચૂંટાયેલા મનન મિશ્રાના કાર્યકાળ પર લિંક મૂકવા અને પ્રાદેશિક રોટેશન સિસ્ટમ લાગુ કરવા માંગ: NALSAR વિવાદ બાદ સંસ્થાકીય સુધારાની જોરદાર ચર્ચા

નવી દિલ્હી: તા.14: દેશમાં કાનૂની વ્યવસાય અને વકીલોની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા 'બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા' (BCI) ના ટોચના નેતૃત્વ અને તેની પસંદગી પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ એમ. વરધન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં BCI ચેરમેન અને વાઇસ-ચેરમેનના અનિશ્ચિત કાર્યકાળ પર રોક લગાવવા અને દર બે વર્ષે નેતૃત્વમાં પ્રાદેશિક રોટેશન સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે, જેણે દેશના કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.

 

BCI ના વર્તમાન ચેરમેન અને બિહારથી ભાજપના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રા પ્રથમ વખત 2012માં ચેરમેન બન્યા હતા અને ત્યારબાદ નવેમ્બર 2014થી સતત આ પદ પર કાબજ છે. માર્ચ 2025માં તેઓ સતત સાતમી વખત બિનહરીફ ચૂંટાયા હતા અને ઓગસ્ટ 2026 સુધીમાં તેઓ લગભગ 12 વર્ષથી આ પદ સંભાળી રહ્યા છે. BCI ના નિયમો મુજબ ચેરમેનનો કાર્યકાળ બે વર્ષનો હોય છે, પરંતુ એડવોકેટ્સ એક્ટની કલમ 4(3)ની જોગવાઈનો ઉપયોગ કરીને વારંવાર પુનઃચૂંટણી દ્વારા સત્તા એક જ હાથમાં કેન્દ્રિત રાખવાનો આરોપ અરજીમાં મૂકાયો છે.

 

અરજીમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ભારતની સર્વોચ્ચ કાનૂની સંસ્થા હોવા છતાં, છેલ્લા 30 વર્ષમાં દેશના 28 માંથી 20 રાજ્યોના પ્રતિનિધિઓને BCI નું નેતૃત્વ કરવાની તક જ મળી નથી. આથી, અરજીમાં ચેરમેન પદ માટે વધુમાં વધુ ત્રણ ટર્મ (આજીવન મર્યાદા) નક્કી કરવા અને તમામ રાજ્યોના પ્રતિનિધિઓને સમાન તક મળે તે માટે પારદર્શક રોટેશનલ સિસ્ટમ બનાવવા માટે દાદ માગવામાં આવી છે.

 

તાજેતરમાં હૈદરાબાદની NALSAR લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેના વિવાદ બાદ BCI ની સત્તા અને કાર્યો સામે સવાલો વધુ ઘેરા બન્યા હતા. NALSAR ના વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહમાં મુખ્ય ન્યાયાધીશના આગમનનો વિરોધ કરતા, BCI ચેરમેન મનન મિશ્રાએ સમગ્ર 2026 ગ્રેજ્યુએટ બેચની વકીલ તરીકેની નોંધણી પર રોક લગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે BCI ના આ હસ્તક્ષેપ અને "સામૂહિક સજા" ના આદેશ સામે કડક વલણ અપનાવીને સ્ટે આપ્યો હતો અને વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો અધિકાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

(4:50 PM IST)