<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શેરબજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો માટે ખુશખબર: 3 જાણીતી બેંકોએ FDના વ્યાજ દરોમાં કર્યો વધારો, ગ્રાહકોને મળશે 7.50% સુધીનું ધમાકેદાર વળતર!

યુનિયન બેંક, ઇન્ડિયન બેંક અને DCB બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના રેટ્સ સુધાર્યા: વરિષ્ઠ નાગરિકોને મળશે 8.05% સુધીનું ઊંચું વ્યાજ

નવી દિલ્હી: તા.14: શેરબજારમાં ચાલતી સતત ઉતાર-ચડાવ અને અસ્થિરતા વચ્ચે જો તમે તમારા નાણાં સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને ગેરંટીડ વળતર મેળવવા માંગતા હોવ, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. તાજેતરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, DCB બેંક અને ઈન્ડિયન બેંકે પોતાના FD વ્યાજ દરોમાં મોટો ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષક વ્યાજ આપવાની જાહેરાત કરી છે.

 

ખાનગી ક્ષેત્રની DCB બેંકે પોતાના વ્યાજ દરોમાં સુધારો કરીને સામાન્ય નાગરિકો માટે સૌથી વધુ 7.50% સુધીના વ્યાજ દરની જાહેરાત કરી છે. 24 મહિનાની અવધિ વાળી FD પર બેંક આ સૌથી ઊંચું વળતર આપી રહી છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો (60 થી 70 વર્ષ) માટે 8% અને અતિ વરિષ્ઠ નાગરિકો (70 વર્ષથી વધુ) માટે FD પર 8.05% સુધીનું જબરદસ્ત વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

 

બીજી તરફ, જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પણ 7 દિવસથી 10 વર્ષ સુધીની અલગ-અલગ અવધિ માટે 2.70% થી 6.55% સુધીનું વ્યાજ આપી રહી છે. યુનિયન બેંક ખાસ કરીને 555 દિવસની FD પર 6.55% અને 444 દિવસની ડિપોઝિટ પર 6.50% વ્યાજ દર ચૂકવી રહી છે, જે ઓગસ્ટ 2026થી અમલી બન્યા છે.

 

આ ઉપરાંત, ઇન્ડિયન બેંક પણ પોતાના ગ્રાહકોને 2.80% થી 6.60% સુધીનું વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકની 555 દિવસની ખાસ FD સ્કીમ પર સામાન્ય ગ્રાહકોને 6.65%, વરિષ્ઠ નાગરિકોને 7.15% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.40% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. સુરક્ષિત અને નિશ્ચિત આવક ઈચ્છતા રોકાણકારો માટે બેંકોના આ નવા દરો લાભદાયી સાબિત થશે.

(5:04 PM IST)