<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

આઝાદીના સમયે 1 કિલો સોનાનો ભાવ ₹10,000 થી પણ ઓછો હતો: 79 વર્ષમાં 1,718 ગણા ઉછાળા સાથે 1 કિલો સોનું કરોડને પાર!

1947માં 10 ગ્રામ સોનાની કિંમત માત્ર ₹88 હતી: આજે 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખને આંબી જતાં રોકાણકારો માટે સોનું બન્યું સૌથી સુરક્ષિત સંપત્તિ

અમદાવાદ: તા.14: વર્તમાન સમયમાં સોના-ચાંદીના ભાવ રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે, ત્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારથી લઈને આજ સુધીના સોનાના ભાવનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે. 1947માં દેશમાં 10 ગ્રામ સોનાની કિંમત માત્ર ₹88.62 હતી, જેનો અર્થ એ થયો કે તે સમયે 1 કિલો સોનાનો ભાવ માત્ર ₹8,862 જેટલો હતો. આઝાદીના 79 વર્ષ બાદ આજે 1 કિલો સોનાની કિંમત ₹1.52 કરોડથી પણ વધી ગઈ છે. આમ, આટલા દાયકાઓમાં સોનામાં આશરે 1,718 ગણો જંગી ઉછાળો નોંધાયો છે.

 

આઝાદી પછીના પ્રારંભિક દાયકાઓમાં સોનાના ભાવમાં બહુ મોટો તફાવત જોવા મળ્યો નહોતો. વર્ષ 1950માં 10 ગ્રામ સોનાનો ભાવ ₹99.18 હતો, જે 1955માં ઘટીને ₹79.18 થઈ ગયો હતો. પરંતુ 1959માં કિંમત ફરી વધીને ₹102.56 પર પહોંચી હતી. ત્યારબાદ, વર્ષ 1974માં સોનાએ પ્રથમ વખત ₹500નો આંકડો વટાવીને ₹506 નો ભાવ મેળવ્યો હતો. વર્ષ 1980માં સોનું પહેલીવાર ₹1,000 ના આંકડાને પાર કરીને ₹1,330 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું.

 

ખરો મોટો ધમાકો 21મી સદીની શરૂઆત પછી જોવા મળ્યો હતો. વર્ષ 2000માં 10 ગ્રામ સોનાની કિંમત ₹4,400 હતી, જે 2007માં પાંચ આંકડાને સ્પર્શીને ₹10,800 થઈ ગઈ હતી. 2011 સુધીમાં ભાવ ₹26,400 અને 2020માં કોરોના મહામારી દરમિયાન વધારા સાથે ₹48,651 સુધી પહોંચી ગયા હતા. આ તેજીનો સિલસિલો આગળ પણ જારી રહ્યો હતો.

 

વર્ષ 2022માં સોનું ₹52,670 હતું, જે 2025માં વધીને પ્રતિ 10 ગ્રામ ₹1 લાખની ઐતિહાસિક સપાટી વટાવી ગયું હતું. હવે વર્ષ 2026માં 10 ગ્રામ સોનાની કિંમત ₹1,52,233 ના સ્તરે પહોંચી ગઈ છે. ભારતીય સંસ્કૃતિ અને રોકાણ બંને દ્રષ્ટિએ સોનાએ સાબિત કરી દીધું છે કે સમય ગમે તેટલો બદલાય, સંપત્તિના સર્જનમાં સોનાનું સ્થાન હંમેશાં અજોડ રહે છે.

(5:08 PM IST)