News of Friday, 14th August 2026
પ્રાદેશિક યુદ્ધની અસરોથી મધ્યપૂર્વના ગલ્ફ દેશોના અર્થતંત્રને મોટો ફટકો: લેબનોનની સર્જનાત્મક પ્રતિભાઓ અને પ્રોફેશનલ્સની આજીવિકા ઉપર તોળાઈ રહ્યું છે ગંભીર સંકટ
ફેશન સ્કૂલના ફંડિંગથી લઈને માર્કેટિંગ એક્સપર્ટ્સની નોકરીઓ જોખમમાં: ગલ્ફના ક્લાયન્ટ્સે બજેટ ઘટાડતા લેબનીઝ યુવાનોની કમાણીમાં મોટો ઘટાડો

બેરૂત: તા.14: લાંબા સમયથી ગલ્ફના દેશો લેબનોનની સર્જનાત્મક પ્રતિભાઓ, ડિઝાઇનર્સ અને માર્કેટિંગ વ્યાવસાયિકો માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા હતા, જ્યાં હજારો લોકો રોજગારી મેળવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રાદેશિક યુદ્ધ અને આર્થિક અસ્થિરતાના દબાણ હેઠળ ગલ્ફ અર્થતંત્રોમાં ધિરાણ અને કાર્યની તકો ઝડપથી ઓછી થઈ રહી છે, જેના કારણે લેબનોનની ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
જાહેરાત, બ્રાન્ડિંગ અને ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરતા લેબનીઝ વ્યાવસાયિકોના જણાવ્યા અનુસાર, યુદ્ધ સાથે જોડાયેલી અનિશ્ચિતતાને કારણે ગલ્ફ આધારિત ક્લાયન્ટ્સે પોતાના પ્રોજેક્ટ્સ મોકૂફ રાખ્યા છે, બજેટમાં ભારે કાપ મૂક્યો છે અને પેમેન્ટ પણ ધીમા કરી દીધા છે. બેરૂતની પ્રખ્યાત ફેશન સ્કૂલ 'ક્રિએટિવ સ્પેસ બેરૂત' (CSB) કે જે વંચિત વિદ્યાર્થીઓને મફત તાલીમ આપે છે, તેને મળતા દાતાઓના ફંડમાં મોટો ઘટાડો થયો છે. સંસ્થાને આ વર્ષે આશરે પાંચ લાખ ડૉલરનું ફંડ મળવાની આશા હતી, પરંતુ ગલ્ફના દાતાઓ સર્વાઈવલ મોડમાં જતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
લેબનોન પોતાની આંતરિક કટોકટી અને સંઘર્ષોનો સામનો અગાઉથી જ કરી રહ્યું છે, ત્યારે ગલ્ફ તરફથી આવતી નાણાકીય સહાય ઘટવાથી ત્યાંના ફ્રીલાન્સર્સ અને પ્રોફેશનલ્સની હાલત કફોડી બની છે. ઘણા ડિઝાઇનર્સ અને સલાહકારોએ પોતાની આવકમાં 60 થી 70 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો છે, તો કેટલાકને પોતાના સ્ટાફમાં પણ છટણી કરવી પડી છે. ગલ્ફના ક્લાયન્ટ્સ દ્વારા સમયસર પેમેન્ટ ન મળવા અને પ્રોજેક્ટ્સ રદ થવાને કારણે લેબનોનની આ સર્જનાત્મક પ્રતિભાઓ સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
