News of Friday, 14th August 2026
સીએમ ફડણવીસની તિરંગા યાત્રાના બેનરોથી નારાજ સીજીપી નેતા અભિજીત દીપક આકરા પાણીએ: "જાહેરાતો પાછળ વેડફાતા નાણાં ગ્રામીણ શાળાઓના વિકાસમાં વાપરો!"
છત્રપતિ સંભાજીનગરમાં તિરંગા યાત્રા નિમિત્તે કરાયેલા આડંબર સામે ઉઠ્યા સવાલો: સીજીપી દ્વારા 15 ઓગસ્ટથી 'સ્કૂલ ફિક્સ કરો' ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત

છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન શહેરભરમાં લગાવવામાં આવેલા તેમના અસંખ્ય મોટા બેનરો અને પોસ્ટરો સામે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તિરંગા યાત્રાનું સ્વાગત છે, પરંતુ સ્વપ્રચાર પાછળ આટલો મોટો નાણાકીય વ્યય કરવાને બદલે આ પૈસાનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોની શાળાઓના સુધારા માટે થવો જોઈએ.
અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પોતાની શાળા સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે, જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીએ આખા શહેરને પોતાના બેનરોથી ઢાંકી દીધું છે. જો આ જ સરકારી નાણાં ગામડાંઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને ભૌતિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં વાપરવામાં આવે, તો તેનાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.
અગાઉ નીટ (NEET) પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતર ખાતે સફળ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર અભિજીત દીપકે હવે 15 ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં એક નવું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. 'સ્કૂલ ફિક્સ કરો' નામની આ ઝુંબેશ હિંગોલી જિલ્લાના તેમના મૂળ ગામથી શરૂ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ સુધારવા સરકાર પર દબાણ લાવવાનો છે. આ ઝુંબેશ હેઠળ સ્થાનિક વાલીઓ અને નાગરિકોને સાંકળીને શાળાઓનું સોશિયલ ઓડિટ કરવામાં આવશે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
