News of Friday, 14th August 2026
ઉત્તર ભારતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી: પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી મેઘરાજા મુશળધાર વરસશે!
દિલ્હી-એનસીઆર, યુપી, હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં એલર્ટ: ગંગા-યમુના નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂરનું જોખમ વધ્યું

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ રાજ્યો માટે આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આકરી ચેતવણી જારી કરવામાં આવી છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પર સર્જાયેલા દબાણને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું અત્યંત સક્રિય બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 થી 20 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સહિતના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી-એનસીઆરમાં પણ સતત મેઘમહેર જોવા મળશે.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સક્રિય ચોમાસાને કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધોધમાર વરસાદને પગલે કાનપુર, કન્નૌજ અને પ્રયાગરાજમાં ગંગા તેમજ યમુના નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સીતાપુરના ભાટપુરવાઘાટમાં સૌથી વધુ 124.6 મીમી અને ગોરખપુરમાં 101.8 મીમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત છત્તીસગઢ, વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને મેદાની વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની ચેતવણી આપી છે. ઓડિશા, ઝારખંડ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વાવાઝોડા સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળા કિનારે ન જવાની અને હવામાનની સ્થિતિ જોઈને જ પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
