<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

દેશમાં 21 લાખથી વધુ EPF ખાતાઓ ફ્રીઝ: રાજ્યસભામાં સરકારે ચોંકાવનારો ખુલાસો કરતાં આપ્યા મોટા સમાચાર!

ચાર વર્ષમાં નિષ્ક્રિય ઇપીએફ ખાતાઓની સંખ્યામાં 84% નો જંગી ઉછાળો: કર્મચારીઓના કરોડો રૂપિયા અટવાયા, કેવાયસી અને અન્ય કારણોથી ખાતાઓ ફ્રીઝ

નવી દિલ્હી : દેશમાં નોકરીયાત વર્ગ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ના ખાતાઓને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં એક આંચકાજનક રિપોર્ટ રજૂ કર્યો છે. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 થી 2023-24 દરમિયાન દેશમાં નિષ્ક્રિય (ઇનએક્ટિવ) EPF ખાતાઓની સંખ્યામાં 84% નો મોટો વધારો નોંધાયો છે. 2020-21માં જ્યાં નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા 11.72 લાખ હતી, તે વધીને 2023-24માં 21.55 લાખથી વધુ થઈ ગઈ છે.

 

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, માત્ર ખાતાઓની સંખ્યા જ નહીં પરંતુ આ નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલી સરેરાશ રકમમાં પણ 18% નો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020-21માં પ્રતિ નિષ્ક્રિય ખાતામાં સરેરાશ ₹33,513 જમા હતા, જે 2023-24માં વધીને ₹39,460 થઈ ગયા છે. સાંસદ નીરજ ડાંગી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ આ ચોંકાવનારી વિગતો આપતાં જણાવ્યું હતું કે કર્મચારીઓ નોકરી બદલ્યા કે છોડ્યા પછી ભંડોળ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે અરજી કરતા નથી, જેના કારણે આ ખાતાઓ ફ્રીઝ થઈ જાય છે.

 

આ ઉપરાંત કેવાયસી (KYC) પ્રક્રિયા અને આધાર લિંકિંગ અભિયાન દરમિયાન જન્મતારીખ કે અન્ય માહિતીમાં વિસંગતતા હોવાના કારણે પણ મોટી સંખ્યામાં ખાતાઓને નિષ્ક્રિય શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. સરકારે આ સમસ્યાના ઉકેલ માટે ઇપીએફ યોજના 2026 હેઠળ દાવાઓને સ્વચાલિત (Auto-Claim) કરવાની નવી જોગવાઈ કરી છે, જેથી ભંડોળ સીધું આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થઈ શકે. આ સાથે જ EPFO દ્વારા 'નિધિ આપકે નિકટ 2.0' કેમ્પ અને સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

(6:20 PM IST)