<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનના ઉપયોગના આરોપો પર કિરેન રિજિજુનો મોટો ખુલાસો: "જો ગોળીબાર થયો હોત તો સેંકડો લોકો ઘાયલ થાત!"

દિલ્હી પોલીસે વધુ પડતા બળપ્રયોગના વિપક્ષી આરોપોને ફગાવ્યા: સંસદીય બાબતોના મંત્રીએ કોંગ્રેસ શાસનમાં કાશ્મીરમાં થયેલા પેલેટ ગનના ઉપયોગની યાદ અપાવી

નવી દિલ્હી:   દિલ્હીમાં NEET પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે પેલેટ ગન અને અતિશય બળપ્રયોગ કર્યો હોવાના વિપક્ષના ગંભીર આરોપોને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે સંસદ તરફ કૂચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પેલેટ ગન ચલાવવામાં આવી હોવાની વાત પાયાવિહોણી છે. જો ખરેખર પેલેટ ગનનો ઉપયોગ થયો હોત, તો ઘટનાસ્થળે હાજર હજારોની ભીડમાંથી સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હોત, જ્યારે આવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી.

 

વિપક્ષે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આરોપ લગાવ્યો હતો કે 20 જુલાઈના રોજ સંસદ કૂચ વખતે એક 25 વર્ષીય આંદોલનકારીને પેલેટ વાગ્યા હતા અને દિલ્હી પોલીસે અમાનવીય બળ વાપર્યું હતું. આ આરોપોનો જવાબ આપતાં કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે પેલેટ ગનમાંથી એકસાથે અનેક છરાઓ છૂટે છે. જો કોઈ એકાદ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોય તો તે કયા સંજોગોમાં થઈ તેની તપાસ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે 30,000 થી 40,000 ની ભીડ જ્યારે સંસદ તરફ આગળ વધી રહી હોય ત્યારે તેને રોકવી એ પોલીસની કાયદાકીય ફરજ હતી અને પોલીસે પરિસ્થિતિને અત્યંત જવાબદારીપૂર્વક સંભાળી હતી.

 

રિજિજુએ ભૂતકાળની યાદ અપાવતા કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કાશ્મીર સહિત વિવિધ વિસ્તારોમાં આંદોલનકારીઓ પર અવારનવાર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં આ કથિત ઘટના અંગેની અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે અને અદાલત સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરી રહી હોવાથી આ મુદ્દે વધુ રાજકીય નિવેદનબાજી કરવી યોગ્ય નથી.

(6:59 PM IST)