News of Friday, 14th August 2026
જાપાનના ચિબામાં કુદરતનો પ્રકોપ: રેકોર્ડબ્રેક ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના કરૂણ મોત!
12 કલાકમાં જ મહિના કરતાં ત્રણ ગણો વરસાદ ખાબકતાં જળબંબાકાર: હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા અને 18,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ

ટોક્યો: જાપાનના ચિબા પ્રીફેક્ચરમાં આકાશી આફતે ભારે વિનાશ સર્જ્યો છે. અતિભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને પૂરના કારણા ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. ચિબા શહેરના ચુઓ વોર્ડમાં માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ 367 મીમી જેટલો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, જે સમગ્ર માસિક સરેરાશ વરસાદ કરતાં ત્રણ ગણો વધુ છે. ચિબાના ઇચિકાવા, સાકુરા અને યાચીયો શહેરોમાં પૂરના પાણીમાં કાર ફસાઈ જવા અને ડૂબી જવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ કુદરતી હોનારતને કારણે સમગ્ર પ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રેન અને બસ વ્યવહાર ખોરવાઈ જતાં નારીતા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે (Narita Airport) આશરે 7,000 જેટલા મુસાફરો આખી રાત ફસાયેલા રહ્યા હતા. આ ઉપરાંત ભૂસ્ખલનના કારણે અનેક એક્સપ્રેસવે બંધ કરવા પડ્યા છે અને આશરે 18,500 થી વધુ ઘરોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. તંત્ર દ્વારા આશરે 4,000 લોકોને સલામત સ્થળે ખસેડીને કામચલાઉ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન કાન્ટો, નાગાનો અને યામાનાશી પ્રદેશોમાં હજુ પણ 80 થી 100 મીમી સુધીનો ભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહનો ન ચલાવવાની કડક સૂચના આપી છે. ભૂસ્ખલન અને નદીઓ ઓવરફ્લો થવાની ભીતિ હોવાથી નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા જણાવાયું છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
