<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભારતના ભાગલાનો અજાણ્યો ઇતિહાસ: આઝાદી બાદ 11 મહિના સુધી પાકિસ્તાનનું અર્થતંત્ર ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ભરોસે ચાલ્યું હતું!

નવો દેશ બનાવી લીધો પણ મધ્યસ્થ બેંક બનાવવાનું જ ભૂલી ગયા: પોતાની ચલણી નોટો ન હોવાથી ભારતીય રૂપિયા પર 'ગવર્નમેન્ટ ઓફ પાકિસ્તાન' છાપીને ચલાવવું પડ્યું હતું કામ

નવી દિલ્હી : 1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા અને નકશા પર એક નવી રેખા ખેંચાઈ, ત્યારે વિશ્વમાં પાકિસ્તાન તરીકે એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. વિભાજનના તે કપરા સમયમાં જમીન, નદીઓ, લશ્કર, પોલીસ અને સરકારી મિલકતોનું વિભાજન થયું હતું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આઝાદી પછીના લગભગ 11 મહિના સુધી પાકિસ્તાન પાસે પોતાની કોઈ જ સેન્ટ્રલ બેંક ન હતી અને જૂન 1948 સુધી પાકિસ્તાનનું સમગ્ર આર્થિક માળખું અને સરકારી ખજાનો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) જ સંભાળતી હતી.

 

વર્ષ 1935માં સ્થપાયેલી RBI અવિભાજિત બ્રિટિશ ભારતની મધ્યસ્થ બેંક હતી. ઓગસ્ટ 1947માં વિભાજન થતાં જ રાતોરાત નવી મધ્યસ્થ બેંક બનાવી શક્ય ન હતી, કારણ કે બેંક સ્થાપવા માટે માત્ર ઈમારત નહીં પરંતુ કડક કાયદા, તાલીમબદ્ધ અધિકારીઓ, કરન્સી છાપવાના પ્રેસ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ નેટવર્કની જરૂર હતી. પાકિસ્તાન પાસે તે સમયે આવું કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ચલણી નોટો છાપવાની ટેકનોલોજી ન હોવાથી બંને દેશો વચ્ચે 'પાકિસ્તાન મોનેટરી સિસ્ટમ એન્ડ રિઝર્વ બેંક ઓર્ડર, 1947' નામનો ઐતિહાસિક કરાર થયો હતો, જે હેઠળ નક્કી કરાયું હતું કે પાકિસ્તાન પોતાની સિસ્ટમ ન બનાવે ત્યાં સુધી RBI જ તેની સેન્ટ્રલ બેંક તરીકે કામ કરશે.

 

વિભાજન બાદ પાકિસ્તાન પાસે ચલણી નોટો ન હોવાથી ત્યાં ભારતીય રૂપિયો જ ચાલતો હતો. પરંતુ પોતાની સંપ્રભુતા દર્શાવવા માટે પાકિસ્તાને ભારતીય નોટોનો જ ઉપયોગ કર્યો હતો. નાસિક પ્રેસમાં છપાતી ભારતીય નોટો પર અંગ્રેજીમાં 'Government of Pakistan' અને ઉર્દૂમાં 'હુકૂમત-એ-પાકિસ્તાન' નો ઓવરપ્રિન્ટ સિક્કો મારીને પાકિસ્તાનમાં ચલણ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આખરે 1 જુલાઈ 1948ના રોજ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનની સ્થાપના થતાં આ વ્યવસ્થાનો અંત આવ્યો હતો.

(8:10 PM IST)