તા. ૨૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું દેશજોગ સંબોધન: "પરીક્ષા સુધારાથી લઈને આતંકવાદ સામે સચોટ પ્રહાર સુધી, ભારત પ્રગતિના પંથે!"
સિંધુ જળ સંધિ રદ્દ કરવી રાષ્ટ્રીય હિતમાં, 'ઓપરેશન સિંદૂર'થી લશ્કરી ક્ષમતા સાબિત થઈ: વીર જવાનો માટે 78 શૌર્ય પુરસ્કારોની કરી જાહેરાત

નવી દિલ્હી : 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને સંબોધિત કરતા રાષ્ટ્ર નિર્માણ, સુરક્ષા અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ઐતિહાસિક ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સરકાર દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને મોટા સુધારા તરફ ઝડપી પગલાં લઈ રહી છે. વધુમાં, સરહદ પારથી થતા આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોએ દુશ્મનોને તેમની જ ભાષામાં આકરો જવાબ આપવાની અદ્ભુત ક્ષમતા દર્શાવી છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દેશહિતમાં લેવાયેલા નિર્ણયોની સરાહના કરતા ઉમેર્યું કે આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાન સામે ઐતિહાસિક સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય દેશના ખેડૂતો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત નિર્ણાયક છે. ભારતે દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ સફાયો કરીને નક્સલમુક્ત ભારત તરફ મહત્ત્વની સિદ્ધિ મેળવી છે. આ અવસરે રાષ્ટ્રપતિ મુર્મુએ સંરક્ષણ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વીર જવાનો માટે 9 કીર્તિ ચક્ર અને 19 શૌર્ય ચક્ર સહિત કુલ 78 શૌર્ય પુરસ્કારોની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિએ દેશના દરેક નાગરિક, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ખેડૂતો અને શ્રમિકોના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે ભારતને વિશ્વમાં અગ્રણી રાષ્ટ્ર બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરવું જરૂરી છે. તેમણે દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને 'વિકસિત ભારત'ના સંકલ્પને પૂર્ણ કરવા માટે સામૂહિક પ્રયાસો હાથ ધરવા આહ્વાન કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
