News of Saturday, 15th August 2026
૧૫ વર્ષીય બાળકીના 'ડાયલ ૧૧૨' કોલે ખોલી આંતરરાજ્ય માનવ તસ્કરી રેકેટની પોલ: અલીગઢ પોલીસે બચાવી ૩ માસૂમ છોકરીઓ, ૫ આરોપીઓ જેલ ભેગા!
ગૃહવિહોણી અને ગરીબ બાળકીઓને શિક્ષણ અને સારા ભવિષ્યની લાલચ આપી ૧ લાખ રૂપિયામાં લગ્ન માટે વેચી દેવાનો પર્દાફાશ; મહિલા માસ્ટરમાઇન્ડ સહિત આખી ગેંગ જેલહવાલે.

અલીગઢ: "કાકા, કૃપા કરીને મને બચાવો. મને અહીં એક ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી છે!" ૧૫ વર્ષની એક માસૂમ બાળકીના આ કરુણ અને ભયભીત શબ્દોએ અલીગઢ પોલીસને હચમચાવી મૂકી હતી. ટપ્પલ વિસ્તારના મૌર ગામમાંથી સગીરાએ હિંમત દર્શાવીને ઘરની એક મહિલાનો મોબાઈલ અનલોક કરી ઇમરજન્સી નંબર ૧૧૨ પર કોલ કરી પોતાનું લાઈવ લોકેશન શેર કર્યું હતું. આ એક કોલના આધારે અલીગઢ પોલીસે દરોડો પાડીને મોટું આંતરરાજ્ય માનવ તસ્કરી નેટવર્ક બકલપોલ કર્યું છે.
પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને લાઈવ લોકેશનવાળા ઘરેથી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી હતી. તપાસ દરમિયાન આ જ ગેરકાયદેસર નેટવર્કનો ભોગ બનેલી અન્ય બે માસૂમ સગીરાઓને પણ શોધી કાઢી બચાવી લેવાઈ હતી. પોલીસે આ કેસમાં પ્રયાગરાજની મુખ્ય સૂત્રધાર બબીતા ઉર્ફે ચાચી અને રાજસ્થાનના સુખારામ ઉર્ફે મહાવીર સહિત ખરીદનાર વિનોદ જાટ, બબલુ અને ઓમ પાલ સિંહ નામના કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ છત્તીસગઢ, ઝારખંડ અને રાજસ્થાનના ગરીબ પરિવારોની બાળકીઓને સારા ભવિષ્યનું વચન આપીને ફોસલાવતી હતી. ત્યારબાદ તેમને અલીગઢ લાવીને ₹૭૦,૦૦૦ થી ₹૧ લાખ સુધીની રકમમાં એવા પુરુષોને વેચી દેવાતી હતી જેમના લગ્ન થતા નહોતા. પીડિત બાળકીને પણ લગ્ન માટે દબાણ કરી માર મારવામાં આવતો હતો. એસપી મનીષ કુમાર મિશ્રાના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ સામે માનવ તસ્કરી, પોક્સો (POCSO) અને બાળ લગ્ન પ્રતિબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
