News of Saturday, 15th August 2026
શિક્ષણ જગતમાં મોટો ફેરબદલ: ૧૯૯૩ બેચના આઈએઈએસ અધિકારી દીપ્તી ગૌર મુખર્જીએ યુજીસીના ચેરમેન તરીકે વધારાનો પદભાર સંભાળ્યો!
નરેશ પાલ ગંગવાર સામેના ₹૧.૧૬ કરોડના ભ્રષ્ટાચારના વિવાદ બાદ સરકારનો મોટો નિર્ણય; નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને વેગ આપવા બેવડી જવાબદારી સોંપાઈ.

નવી દિલ્હી: દેશના શિક્ષણ ક્ષેત્રમાં અચાનક મોટો વહીવટી ફેરબદલ જોવા મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા મધ્યપ્રદેશ કેડરના ૧૯૯૩ બેચના સીનિયર આઈએએસ (IAS) અધિકારી દીપ્તી ગૌર મુખર્જીને સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના અધ્યક્ષનો વધારાનો હવાલો સોંપ્યો છે. નિયમિત ચેરમેનની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ મહત્વપૂર્ણ પદ પર જવાબદારી નિભાવશે.
આ મહત્વપૂર્ણ બદલાવ પાછળ દિલ્હીના સત્તાના કોરિડોરમાં મોટો વિવાદ જવાબદાર રહ્યો છે. સરકારે શરૂઆતમાં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નરેશ પાલ ગંગવારની નિમણૂક કરી હતી. પરંતુ છેલ્લી ક્ષણે તેમના પરિવાર સામે સરકારી બાગાયતી સબસિડીમાં ₹૧.૧૬ કરોડના ગંભીર ભ્રષ્ટાચારના આરોપો સપાટી પર આવતાં તેઓ પદ સંભાળી શક્યા નહોતા. આ ઘટનાક્રમ બાદ સરકારે અનુભવી અધિકારી દીપ્તી ગૌર મુખર્જી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જેઓ અગાઉના સચિવ વિનીત જોશીનું સ્થાન લેશે.
દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની લગામ હવે દીપ્તી ગૌર મુખર્જીના હાથમાં આવી ગઈ છે. સચિવ અને યુજીસી ચેરમેન - બંને હોદ્દા એક જ અધિકારી પાસે હોવાથી લાલફીતાશાહી ઘટી જશે અને નવી શિક્ષણ નીતિ (NEP 2020) નો અમલ વધુ ઝડપી બનશે. શૈક્ષણિક પદ્ધતિઓને આધુનિક બનાવવા અને યુનિવર્સિટીઓમાં પારદર્શિતા લાવવા માટે હવે સમગ્ર દેશના શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની નજર તેમની નવી પહેલ પર મંડાયેલી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
