<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

દિલ્હી-NCR માં આખું અઠવાડિયું વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદની શક્યતા: હવામાન વિભાગની આગાહી વચ્ચે અસહ્ય બફારા અને ભેજવાળી ગરમીથી લોકો બેહાલ!

આગામી કલાકોમાં આકાશ વાદળછાયું રહેવા સાથે હળવા વરસાદના બે થી ત્રણ તબક્કાની સંભાવના; હવા ગુણવત્તા (AQI) સંતોષકારક શ્રેણીમાં રહેવાનો અંદાજ.

નવી દિલ્હી:  દિલ્હી અને સમગ્ર એનસીઆર (NCR) પ્રદેશમાં ભારે વરસાદથી મળેલી રાહત બાદ હવે ગરમી અને અસહ્ય ભેજનું સામ્રાજ્ય સ્થપાયું છે. શનિવારે દિવસ દરમિયાન લોકો અસહ્ય બફારાથી ત્રસ્ત રહ્યા હતા. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે હળવો વરસાદ કે ઝરમર છાંટા પડી શકે છે. જોકે, આ વરસાદ છતાં લોકો માટે બફારો અને ભેજવાળી ગરમી મુખ્ય ચિંતાનો વિષય બનશે.

 

હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન એટલે કે ૧૬ ઓગસ્ટે દિલ્હીના વિવિધ ભાગોમાં સવારથી રાત સુધીમાં હળવા વરસાદના એક-બે તબક્કા જોવા મળી શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. ત્યારબાદ ૧૭ અને ૧૮ ઓગસ્ટે પણ વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તાપમાન ૩૩ થી ૩૫ ડિગ્રી પહોંચતા ભેજનું પ્રમાણ લોકોને વધુ અકળાવશે.

 

આગામી ૧૯ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન પણ આવી જ રીતે હળવો વરસાદ અને ઝરમર છાંટા ચાલુ રહેશે. શનિવારે સવારે દિલ્હીના સફદરજંગ ખાતે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાહતની વાત એ છે કે વરસાદી વાતાવરણને કારણે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૯૧ પોઇન્ટ સાથે 'સંતોષકારક' શ્રેણીમાં રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ હવાની ગુણવત્તા સારી જળવાઈ રહેવાની ધારણા છે.

(9:08 PM IST)