<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

દિલ્હી હાઈકોર્ટનો મકાનમાલિકોના હિતમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો: "ભાડૂઆત નક્કી ન કરી શકે કે મકાનમાલિકે પોતાની મિલકતનો ઉપયોગ કેવી રીતે કરવો!"

દરિયાગંજમાં કોમર્શિયલ મિલકત ખાલી કરાવવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી ભાડૂઆતોની પુનર્વિચાર અરજીને હાઈકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી.

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મિલકત માલિકો અને ભાડૂઆતો વચ્ચેના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ભાડૂઆત મકાનમાલિકને પોતાની મિલકતનો ઉપયોગ કરવા અથવા કયા ફ્લોર પરથી પોતાનો વ્યવસાય ચલાવવો તે અંગે નિર્દેશ આપી શકતો નથી. જસ્ટિસ હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે દરિયાગંજ સ્થિત અંસારી રોડ પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી ભાડૂઆતોને દુકાન ખાલી કરવાના પટિયાલા હાઉસ કોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી રિવ્યૂ પીટિશનને ફગાવી દેતાં આ અવલોકન કર્યું હતું.

 

આ કેસમાં મકાનમાલિક રાજીવ ગુપ્તાએ પોતાની પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ બિઝનેસના વિસ્તરણ માટે વધારાની જગ્યાની વાસ્તવિક જરૂરિયાત દર્શાવીને દિલ્હી રેન્ટ કન્ટ્રોલ એક્ટ (DRC Act) ની કલમો હેઠળ મિલકત ખાલી કરાવવાની માંગ કરી હતી. તેના વિરોધમાં ભાડૂઆતોએ દલીલ કરી હતી કે મકાનમાલિક પાસે પહેલેથી જ પૂરતી જગ્યા છે અને ગાઝિયાબાદના અંકુર વિહાર તેમજ ટ્રોનિકા સિટીમાં તેમની વૈકલ્પિક મિલકતો ઉપલબ્ધ છે.

 

હાઈકોર્ટે ભાડૂઆતોની આ દલીલોને સખત શબ્દોમાં ફગાવી દેતાં જણાવ્યું હતું કે દરિયાગંજ એ પ્રિન્ટિંગ અને પ્રકાશન ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, તેથી ગાઝિયાબાદની રહેણાંક મિલકતોને દરિયાગંજના કોમર્શિયલ વ્યવસાય માટે યોગ્ય વિકલ્પ ગણી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે મકાનમાલિક પોતાની જરૂરિયાતોનો શ્રેષ્ઠ ન્યાયાધીશ છે અને ભાડૂઆત તેને બેઝમેન્ટ, ઉપરના માળે કે અન્ય કોઈ સ્થળેથી વ્યવસાય ચલાવવા માટે દબાણ કરી શકે નહીં.

(9:21 PM IST)